તાપી: જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ પાસે નેશનલ હાઇવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ઇકો કાર અને પિકઅપ વાહન વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ઇકો કારનો ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હતો, જેને કટર મશીન ની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સવારના આઠ વાગ્યેની આસપાસ સર્જાયેલા આ ગંભીર અકસ્માતને જોતા સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો મદદ માટે ઊભા રહી ગયા હતા. દરમિયાન ઇકો કારનું બોનેટ ગંભીર રીતે ચગદાઈ જતા ઇકો કારનો ચાલક ગાડીમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિક લોકો દ્વારા કટર મશીન વડે ગાડીના પાર્ટ્સ કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને તરત જ 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રવિવારની સવારે બારડોલી-વ્યારા હાઇવે પરથી આ બંને વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઇકો કાર અને પિકઅપ ટેમ્પો ટકરાયા હતા અને ઇકો કારનું બોનેટ પુરે રીતે ક્ષતિગ્રસ્ત થતાં દબાઈ ગયું હતું જ્યારે બોલેરો પિકઅપ ટેમ્પો આગળ જઈને ડીવાઈડર પર અથડાઈને પલટી મારી ગયો હતો. જેમાં સદનસીબે ટેમ્પો ચાલકને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ સંદર્ભે તાપી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.