લાતુરઃ મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. લાતુર જિલ્લામાં બર્ડ ફ્લૂના કારણે 51 કાગડાના મોત થયા બાદ અધિકારીઓએ આ રોગને ફેલાતો રોકવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ અંગે પશુપાલન ડેપ્યુટી કમિશનર ડો.શ્રીધર શિંદેએ જણાવ્યું હતું કે, શનિવારે ભોપાલ વેટરનરી લેબોરેટરીમાંથી મળેલા રિપોર્ટમાં ઉદગીર શહેરમાં કાગડાઓના મૃત્યુનું કારણ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H1N1) જણાયું હતું.
ડો. શિંદેએ જણાવ્યું હતું કે શનિવારે ઉદગીર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 51 કાગડાઓ મૃત્યુ થયાં હતા. એવું કહેવાય છે કે અધિકારીઓને 13 જાન્યુઆરીથી શહેરના બગીચાઓ અને અન્ય વિસ્તારોમાં મૃત પક્ષીઓની માહિતી મળી રહી હતી. હાલમાં અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે.
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રોગચાળાને ફેલાતો અટકાવવા પગલા ભરવાની શરૂઆત પણ કરવામાં આવી છે. જે જગ્યાએ કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા ત્યાંથી દસ કિલોમીટરના વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આદેશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની અવરજવર અને પક્ષીઓ અને પ્રાણીઓના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બર્ડ ફ્લૂને ધ્યાનમાં રાખીને, આપવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોને ચેપ મુક્ત બનાવવામાં આવશે. આ ઉપરાંત અધિકારીઓ દસ કિલોમીટરની રેન્જમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મનો સર્વે પણ કરશે અને સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે લોકોને વિનંતી કરી છે કે જિલ્લાના અન્ય ભાગોમાં પક્ષીઓ અથવા પ્રાણીઓના કોઈપણ અસામાન્ય મૃત્યુની જાણ નજીકની પશુ ચિકિત્સા હોસ્પિટલ અથવા વન વિભાગને કરો.