સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. તાતીથૈયા ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં બોઈલર વિભાગમાં રમી રહેલા દોઢ વર્ષના માસુમ બાળકે ભૂલથી ડીઝલ પી લેતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બાળક કંપનીમાં રમતા-રમતા ડીઝલ પી ગયું
વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની અને હાલમાં તાતીથૈયા ગામના સોનીપાર્ક-1માં રહેતા અરવિંદભાઈ કુશવાહનો દોઢ વર્ષનો પુત્ર અંકુશ 15 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે ચતુર્ભુજ કંપનીના બોઈલર વિભાગમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતાં-રમતાં તેણે ભૂલથી ડીઝલ પી લીધું હતું.
3 દિવસની સારવાર બાદ મોત
જે બાદ ગંભીર સ્થિતિમાં બાળકને તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ દિવસની સઘન સારવાર છતાં હાલ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના કારણે સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
માતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
બાળકની માતા કિરણદેવીની ફરિયાદના આધારે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ બાળકના મોતની ઘટનાને લઈને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
માતા ટિફિન આપવા ગઈ તે દરમિયાન બની ઘટના
સમગ્ર કેસની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવમાં એક દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની એક મહિલા જ્યારે તેઓના પતિને નિત્યક્રમ મુજબ કંપની પર ટિફિન આપવા ગઈ હતી. ત્યારે રમતા રમતા બાળક ડીઝલ પી ગયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે. તેઓની માતાની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: