સુરત: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક 5 વર્ષીય બાળક ગુમ થવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે ફરી એકવાર દેવદૂત બનીને મદદરૂપ થવાનું કાર્ય કર્યું છે. મૂળ દાહોદના વતની દંપતિ પોતાના ત્રણ બાળકો સાથે રાંદેર શેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ માટે આવ્યા હતા. સવારે 10 વાગ્યે તેમનું સૌથી નાનું બાળક રમતા-રમતા ગુમ થઈ ગયું હતું.
100થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા
રાંદેર પોલીસને જાણ થતાં PI આર.જે. ચૌધરીએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બાળકના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. આખરે 10 કલાકની જહેમત બાદ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું.

ચાલતા-ચાલતા 7 KM દૂર પહોંચી ગયું બાળક
આશ્ચર્યજનક રીતે, આ નાનું બાળક ચાલતા-ચાલતા સાત કિલોમીટર જેટલું દૂર નીકળી ગયું હતું અને થાકી જતાં રોડની સાઈડમાં સૂઈ ગયું હતું. બાળકને સહી સલામત શોધી કાઢ્યા બાદ પોલીસ સ્ટેશનમાં તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું, જ્યાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. શ્રમિક પરિવારમાં પોતાના બાળકને પાછું મેળવતા આનંદની લહેર છવાઈ ગઈ હતી.

પોલીસે 10 કલાકમાં બાળક શોધી કાઢ્યું
રાંદેર પોલીસ મથકના PI આર.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, રાંદેર પોલીસની હદમાં પાંચ વર્ષનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું. ઘટનાને ગંભીરતાથી લઇને અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી. અંદાજિત 100 સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. અને લગભગ 10 કલાકની જહેમત બાદ બાળકને શોધી કાઢવામાં અમારી ટીમને સફળતા મળી હતી.
આ પણ વાંચો: