સુરત: ડુમસથી ફરીને કારમાં રિટર્ન આવી રહેલા ત્રણ મિત્રો અને એક વિદ્યાર્થિનીનો ડાયમંડ બુર્સ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ વિદ્યાર્થિની સાથે કોઇ દુષ્કર્મ થયું છે કે નહી? તે દિશામાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે જ પોલીસે ત્રણેય મિત્રોના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ પણ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વેસુમાં આવેલ પોદાર રેસિડેન્સીમાં રહેતા સુભાષભાઈ ચૌધરીનો ૧૮ વર્ષીય પુત્ર રાહુલ તેના પિતાની ક્રેટા કાર દ્વારા ગત ગુરૂવારે પોતાના બે મિત્રો સાહિલ બાવા અને શોર્ય શર્મા તેમજ વેસુમાં યુવતી સાથે ફરવા માટે ડુમસ ગયા હતા. ડુમસથી ફરીને આવ્યા બાદ આ ચારેય મિત્રો ઓનએનજીસી ચાર રસ્તાથી સચિન તરફ ગયા હતા અને ત્યાં સામે જ ડાયમંડ બુર્સ દેખાતા તેઓ ડાયમંડ બુર્સ જોવા માટે ગયા હતા.
જો કે, અહીં રસ્તો ખુલ્લો જોવા મળતા રાહુલે ફુલસ્પીડમાં ગાડી હંકારી હતી. દરમિયાન સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ૨૦૦થી ૩૦૦ મીટર સુધી ઘસડાઈ અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળ બેઠેલી યુવતીને ગંભીર ઈજા થઇ હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
ગત 16 જાન્યુઆરી ગુરૂવારના રોજ બનેલી આ ચકચારી અકસ્માતની ઘટનામાં પોલીસે રાહુલની સામે મોટર વ્હીકલ એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી. બીજી તરફ આ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ તો નથી થયુંને ? આ અંગે પોલીસે શંકા વ્યક્ત કરી હતી અને તેની તપાસ માટે ત્રણેય મિત્રોના મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ જ્યારે ફરવા ગયા હતા ત્યારે તેઓએ જે કપડા પહેર્યા હતા તે પણ કબજે કરવાની તજવીજ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.