Patan News: ધનાસરા ગામના આંટી ગરબાની રમઝટ ખેલૈયાઓમાં લોકપ્રિય - ઘણા લોકો આવે છે જોવા
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 3:24 PM IST
પાટણઃ આજે નવરાત્રિ પર્વની ઉજવણી પૌરાણિક સમય કરતા ક્યાંય બદલાઈ ગઈ છે. જો કે પૌરાણિક ઢબે રમાતા ગરબા પ્રત્યે ખેલૈયાઓમાં આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. તેમાંય વિશિષ્ટ પ્રકારે થતા ગરબા હંમેશા ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આવા જ એક વિશિષ્ટ પ્રકારના ગરબા પાટણ જિલ્લાના ધનાસરાના ગામે પ્રાચીન સમયથી રમાય છે. આ ગરબાનો પ્રકાર છે 'આંટી ગરબા'. આ ગરબા વિશિષ્ટ પ્રકારે રમાય છે. જેમાં અબાલવૃદ્ધ સાથે ભાગ લે છે. યુવકો ઉપરાંત મોટી ઉંમરના નાગરિકો પણ 'આંટી ગરબા' કરીને માતાજી પ્રત્યે પોતાની આસ્થા રજૂ કરે છે. 'આંટી ગરબા'માં મોઢેથી ગરબા ગાવામાં આવે છે. તેમજ એક ચોક્કસ પ્રકારની ભાત ઉપસાવવામાં આવે છે. આ ગરબામાં માતાજીના ચાચરચોકમાં ગોળ આકારમાં ગરબા રમતી વખતે પગની રીતસરની આંટી પાડવામાં આવે છે. આ આંટી ખેલૈયાઓ પોતાના પગમાં નહીં પરંતુ બીજા ખેલૈયાઓના પગમાં આંટી પાડે છે. ખેલૈયાની નિપૂણતા ઉપરાંત માતાજીના આશીર્વાદ હોવાને લીધે કોઈ ખેલૈયાઓને ઈજા થતી નથી. 'આંટી ગરબા' જોવા માટે દૂર દૂરથી ખેલૈયાઓ અને માઈભક્તો ખાસ ધનાસરા ગામે પધારે છે.