Kutch News : કડવા પાટીદાર સમાજના 851 લોકોએ સનાતની શંખનાદ કરીને સ્થાપ્યો રેકોર્ડ - કડવા પાટીદાર સમાજ નખત્રાણા
🎬 Watch Now: Feature Video
કચ્છ : કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સનાતની શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતની શતાબ્દી મહોત્સવમાં 851 જેટલા પાટીદાર સમાજના લોકોએ સામૂહિક શંખનાદ કરીને રેકોર્ડ સ્થાપ્યો હતો. શતાબ્દી મહોત્સવનો શુભારંભ સામૂહિક શંખનાદ સાથે કરાયો હતો. આ સનાતની શંખનાદમાં પાટીદાર સમાજના 851 સભ્યોએ 11 વખત 11-11 સેકન્ડ શંખનાદ કરી એશિયા બૂક ઓફ રેકર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં નામ નોંધાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ અગાઉ 151 શંખનાદનો રેકોર્ડ હતો. જેને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તોડવામાં આવ્યો હતો. કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી ભરત સોમજીયાણીએ જણાવ્યું હતું કે સનાતની શતાબ્દી મહોત્સવ દરમિયાન 1200 લોકોએ શંખનાદમાં ભાગ લીધો હતો અને 851 લોકોએ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
ઐતિહાસિક પ્રસંગોનું પ્રદર્શન : અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી અને શતાબ્દીના સંચાલન સમિતિના ચેરમેન ગોપાલભાઈ ભાવાણી દ્વારા જણાવાયું હતું કે સનાતની શતાબ્દીની તૈયારીઓ પૂર્ણ થઇ છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને 400 અને 300 ફૂટના ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. 4 જેટલી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, 24 કલાક પેયજળ સુવિધા, વિશાળ ભોજન કક્ષ, જ્ઞાતિજનો માટે જુદી જુદી જગ્યાએ ઉતારો વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસીય સનાતની મહોત્સવનામાં બાલ યુવા પ્રતિભા શોધ, રાજકીય, ધાર્મિક તેમજ વૈચારિક જ્ઞાતિજનોનો મહાકુંભમેળાની સાથે સનાતની શૌર્ય ગાથા અને ઐતિહાસિક પ્રસંગોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સનાતનીઓનો શંખનાદ અને સંત સંમેલન જ્ઞાતિનું 6ઠું અધિવેશન અને યુવાનો દ્વારા પ્રતિભા દર્શન કાર્યક્રમ તેમજ જ્ઞાતિને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રા પણ નીકળી : જ્ઞાતિ સમેલનના 6ઠાં અધિવેશનમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સંતોનું વક્તવ્ય પણ યોજાશે. કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે નખત્રાણામાં ભવ્ય ભક્તિમય વાતાવરણમાં વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી જેમાં ભારતના જુદાં જુદાં રાજ્યોની વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખીઓએ આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ ભવ્ય શોભાયાત્રામાં 11 જેટલા સનાતની ઘોડા જોડ્યા હતાં તો ઊંટગાડી સહિત 200થી પણ વધારે શણગારેલા વાહનોના સ્લોટ, 30 થી પણ વધારે જુદી જુદી બેન્ડ પાર્ટીઓ, ભજન મંડળીઓ જોડાઈ હતી.