Chaitri Navratri 2023 : 82 વર્ષથી જળવાઇ છે અંબાજીની અખંડ ધૂનની પરંપરા, ક્યારે અને કેમ શરુ થઇ હતી જૂઓ - ચૈત્રી નવરાત્રી 2023
🎬 Watch Now: Feature Video
અંબાજી : 22 તારીખથી આદિશક્તિની ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રી શરુ થઇ ગઇ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ ધામધૂમથી તમામ પારંપરિત પૂજનવિધિ, ઘટસ્થાપના સહિતના કાર્યક્રમ સાથે ચૈત્રી નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીમાં મા અંબાના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોજનો પણ દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. મા અંબાના ભક્તોને સારી રીતે માતાજીના દર્શન, પૂજન અને આરતીનો લાભ મળે તે માટે અંબાજી મંદિર વહીવટકર્તાઓ તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ અંગે સતર્કતા પણ જોવા મળી રહી છે.
વિધિવત પ્રારંભ : ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ગત નવરાત્રીમાં કોરોનાના ભયના કારણે દર્શન ન કરી શકેલા ભક્તો આ નવરાત્રીમાં માના દર્શનનો લહાવો ચૂકવા માગતાં નથી ત્યારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિરના સભા મંડપમાં જવારા સાથેનું ઘટસ્થાપન કરાયું જેમાં સાત પ્રકારના અનાજ મિશ્રિત કરીને જવારા વાવવામાં આવ્યા હતાં. આ વિધિમાં ડેપ્યુટી કલેકટર અને મંદિરના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા. જવારાની નવમાં નોરતે થયેલી વૃદ્ધિ જોઇને તે પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવતું હોય છે. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં નવ દિવસ એક વધારાની આરતી પણ કરવામાં આવશે. સવારની મંગળા આરતી બાદ જવારા સાથે ઘટસ્થાપનની આરતી અને સાયંકાળની આરતી કરવામાં આવશે.
ઊભા પગે અખંડ ધૂન : આમ તો આસો માસની નવરાત્રીમાં નવ દિવસ ગરબાની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં પહેલા જ નોરતાંથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી છે. આ અખંડ ધૂન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધૂનનો આગવો ઇતિહાસ છે જે આપનેે જણાવીએ.
1941માં શરુઆત થઇ : ભારતદેશની આઝાદી પૂર્વે 1941માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તિઓના નિવારણ અર્થે અખંંડ ધૂન શરૂ કરવામાં આવી હતી. ત્યારે આટલા વર્ષોના વહાણાં વીત્યાં હોવા છતાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સામે પણ આયોજનબદ્ધ રીતે માતાજીની અખંડ ધૂન સાંભળવા મળી રહી છે. માતાજીની આ જે અખંડ ધૂન છે તે અખંડ ધૂન આજે પણ મહેસાણા જિલ્લાનાં 150 ઉપરાંતના શ્રધ્ધાળુંઓના સંગઠન દ્વારા આ પરંપરાને 82 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. જેને આગામી સમયમાં પણ આ અખંડ ધૂન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકોનું માનવું છે.