ભુજ: આજે રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકા તેમજ ત્રણ તાલુકા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી અને સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો હતો.
મતદાન પ્રક્રિયા સંપન્ન થતાંની સાથે જ તમામ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયું છે અને હવે આગામી 18મીએ યોજાનારી મત ગણતરીમાં ક્યાં ઉમેદવારે બાજી મારી તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
રાપર નગરપાલિકાની ચૂંટણીમાં 62.52 ટકા મતદાન
કચ્છના વાગડ વિસ્તારની રાપર નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો, સાત વોર્ડની 28 બેઠક પૈકી એક બેઠક બિનહરીફ હતી, જેથી બાકીની 27 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. જેમાં કુલ નોંધાયેલા 23,111 મતદારો પૈકી 14,450 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, અને 62.52 ટકા જેટલા લોકોએ મતદાન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી અને કોઈપણ પ્રકારની ઈવીએમની ખામી કે કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થઈ ના હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું.
![કચ્છમાં 2 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન સંપન્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2025/gj-kutch-05-voting-overall-photo-story-7209751_16022025194317_1602f_1739715197_976.jpg)
ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં 54.94 ટકા મતદાન
બીજી બાજુ ભચાઉ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત સાત વોર્ડની 28 બેઠક પૈકી 17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા, ત્યારે આજે 11 બેઠકો પર મતદાન યોજાયું હતું. ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 4,5 અને 7ના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, તો વોર્ડ નંબર 1,2,3 અને 6ની કુલ 11 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 15,541 મતદારો પૈકી 8,538 મતદારોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને અંદાજિત 54.94 ટકા જેટલું મતદાન યોજાયું હતું.
![ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, 18 ફેબ્રુઆરીએ પરિણામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2025/gj-kutch-05-voting-overall-photo-story-7209751_16022025194317_1602f_1739715197_284.jpg)
ત્રણ તાલુકા પંચાયતની બેઠકો પૈકી પર સૌથી ઓછું લાકડીયા બેઠક પર મતદાન
કચ્છની ત્રણ તાલુકા પંચાયતની બેઠકો પર યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે તો માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક માટે 5,589 મતદારો પૈકી 3,135 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, અને 56.1 ટકા જેટલી મતદાનની ટકાવારી નોંધાઈ હતી.
![ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2025/gj-kutch-05-voting-overall-photo-story-7209751_16022025194317_1602f_1739715197_806.jpg)
જ્યારે ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક માટે 6,790 મતદારો પૈકી 2,636 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 38.82 ટકા જેટલી જ રહી હતી. જ્યારે મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠક માટે 3,848 મતદારો પૈકી 2,700 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 70.17 ટકા જેટલી નોંધાઈ હતી.