ભચાઉ: કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે મતદાનની પૂર્વ રાત્રિએ અંદાજે 90થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ અને 70 જેટલા અજાણ્યા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગામમાં મોટા સ્પીડ બ્રેકર હોતા તેને તોડી પાડવા અંગે રજૂઆત કરવા જતા ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેની ફરિયાદ ફરિયાદીએ કરતા મામલો વધુ ગરમાયો હતો, અને આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં પોલીસ કર્મચારીઓ પર પણ ટોળુ તુટી પડયું હતું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. ઉપરાંત બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસબેડામાં ભારે દોડધામ
ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.સિસોદિયાએ માહિતી અપાતા જણાવ્યું હતું કે, આજે કચ્છની ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી, ત્યારે ગત રાત્રીએ પોલીસ તંત્ર મતદાન કેન્દ્ર પર સ્ટેન્ડ ટૂ પોઝીશનમાં આવી ગઈ હતી, જ્યારે રાત્રે પોલીસ કર્મચારીઓ પર હુમલો થયાની ખબર મળતાં પોલીસ ખાતામાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી.
ફરિયાદીએ મોટા સ્પીડ બ્રેકર તોડી પાડવા વાત કરી અને આરોપીઓ ઉશ્કેરાયા
લુણવા ગામે રહેતા પ્રવિણ ખેતાભાઈ કોલી ગામના જ રહેવાસી રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલીને કહેવા ગયા હતા કે તમે રસ્તામાં મોટા મોટા સ્પીડ બ્રેકર શા માટે બનાવ્યા છે ? વાહનમાં નુકસાની થાય છે માટે મોટા સ્પીડ બ્રેકર તોડી નાખો એટલું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી પ્રવીણને મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદ નોંધાવી
ફરિયાદી પ્રવીણે ફરિયાદ નોંધાવ્યા બાદ ગામમાં પરત ગયો ત્યારે પોલીસને જાણ થઈ હતી કે, આરોપીઓ ફરિયાદીને મારવા માટે જઈ રહ્યા છે. જેથી ભચાઉના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.જે. ઝાલા સહિતનો પોલીસ કાફલો રાત્રે લુણવા ગામે પહોંચ્યો હતો. આરોપીઓ હથિયારધારી ટોળા સાથે આવી તેના ઘરને સળગાવી નાખવાની અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ ફરિયાદીને મારવા માટે પ્રયત્નો કર્યા હતા અને વચ્ચે પોલીસ પડતા અંદાજે 90 જેટલા લોકોએ પોલીસ પર પણ હાથમાં ધારિયા, ધોકા, પથ્થરો સાથે હુમલો કરી દીધો હતો અને જણાવ્યું હતું કે તમે ફરિયાદ લીધી જ કેમ.
પોલીસ સબ ઇન્સ્પેકટરની હત્યા કરી નાખવાના ઉદેશ્ય સાથે જીવલેણ હુમલો
ઉશ્કેરાયેલા ટોળાના આરોપીઓ નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જે.ઝાલાને પકડી રાખ્યા હતા અને આરોપી રાજેશ સામત કોલીએ હત્યા કરવાના હેતુથી હાથમાં રહેલો ધારદાર પથ્થર પોલીસ કર્મચારીના માથાના ભાગે માર્યો હતો અને આરોપી છગન કોલીએ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ વિક્રમસિંહને ડાબા હાથે ધોકો માર્યો હતો.
પોલીસ કર્મચારી પર હુમલો
આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસ કર્મચારી જયદીપસિંહ ભીખુસિંહ ડાભીને સાથળમાં, મયૂરસિંહ જયેન્દ્રસિંહને જમણા ઘૂંટણમાં, નિરમાબેન ડામોરને પીઠમાં અને મમતાબેન બારોટને પીઠમાં પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત આરોપીઓએ પોલીસના સરકારી વાહનોમાં પણ ધોકા અને પથ્થરમારો કરી ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.
70 જેટલા અજાણ્યા લોકોના ટોળાં વિરુધ્ધ વિવિધ ગુના મુકામે ફરિયાદ
સમગ્ર બનાવ અંગે મોડી રાત્રે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા લોકો સામે નામજોગ અને અન્ય 70 જેટલા અજાણ્યા લોકોના ટોળાં વિરુધ્ધ હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતના ગુનામાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
22 લોકો સામે નામજોગ ફરિયાદ
ભચાઉ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાએ આરોપી રાજેશ કોલી, શાંતિ કોહલી, રમેશ મનજી કોલી, મુકેશ કોલી, હરજી કોલી, રાજેશ જીવા કોલી, મોતી કોલી, ભરત કોલી, માવજી કોલી, ધનજી કોલી, નાગજી કોલી, ભાવેશ કોલી, બાબુ કોલી, મેઘા કોલી,વાલા કોલી, રમેશ ભોજા કોલી, પરમાબેન કોલી, લક્ષ્મણ કોલી, માવજી રામજીની પત્ની, ધનજી કોલી, છગન કોલી અને લાડુબેન કોલી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.6 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે હાલમાં તમામ પોલીસ કર્મચારીઓની તબિયત સારી છે અને તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે. લાઈન પણ જણાવવામાં આવેલ નથી.