Ram Mandir Ayodhya : અયોધ્યા રામ મંદિરમાં સ્થપાશે અમદાવાદનો અધધ 5,500 કિલોનો "ધ્વજદંડ" - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 4:33 PM IST
|Updated : Jan 6, 2024, 5:29 PM IST
અમદાવાદ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સમગ્ર ભારતની જનતા રામલલાને આવકારવા તૈયારી કરી રહી છે. દેશના ખૂણે ખૂણેથી વિવિધ વસ્તુઓ અને સેવાઓ અયોધ્યા પહોંચી રહી છે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદનું ખૂબ મોટું યોગદાન રહેશે.
રામ મંદિરમાં અમદાવાદનું યોગદાન : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત થનારા ધ્વજદંડનું નિર્માણ અમદાવાદના ગોતામાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડ 5,500 કિલો વજન અને 44 ફૂટ ઊંચો છે. મુખ્ય ધ્વજ દંડ સિવાય 20 ફૂટ અને 700 કિલો વજનના અન્ય છ ધ્વજદંડ બની રહ્યા છે.
5,500 કિલોનો ભવ્ય ધ્વજદંડ : ગોતામાં ફેક્ટરી ધરાવનાર ભરત મેવાડા રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, આ અમારી ત્રીજી પેઢી છે. મારો મેવાડા પરિવાર છેલ્લા 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેમાં અમે અનેક મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે. આ સિવાય અમે અનેક મંદિરો માટે અન્ય કામગીરી પણ કરી છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે 12.39 ના શુભ મુહુર્તે જ ભગવાનની મૂર્તિ, ધ્વજદંડ અને કળશ એમ ત્રણેયની પૂજા કરવામાં આવશે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરીને લીલી ઝંડી આપી અયોધ્યા માટે રવાના કર્યો હતો.