કરણ ઠક્કર,કચ્છ : 5000 વર્ષ જૂની અને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન ટેગ ધરાવતી અજરખ કલાનું નામ આવે એટલે પહેલા ખ્યાલ અજરખ બ્લોક પ્રિન્ટનું આવે પણ જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ તેમ ફેશન પણ બદલાઈ રહી છે, અને કળામાં પણ નવા સ્વરૂપ આવી રહ્યા છે, ત્યારે કચ્છની 25 વર્ષીય કારીગર યુવતી મુબશ્શીરાહ ખત્રી કે, જે કચ્છની અજરખની પ્રથમ મહિલા કારીગર ડિઝાઈનર છે. હાલમાં જ મુબશ્શીરાહે મોસ્ટ ઇનોવેટિવ આંતરપ્રિન્યોર ગોલ્ડ એવોર્ડ અને ક્રાફટ કાઉન્સિલ ઓફ તેલંગાણાનો યંગ આર્ટિઝન એવોર્ડ પણ મેળવ્યા છે.
અજરખ કળામાં એક સાહસિક પગલું
કચ્છના અજરખપુર ગામની યુવતી મુબશ્શીરાહ ખત્રી, કચ્છના પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ ધરાવતી અજરખ કળામાં એક સાહસિક પગલું ભર્યું છે, અને મુબશ્શીરાહ માત્ર કળાની પરંપરાનું પાલન જ નથી, કર્યું પણ તેને એક નવું સ્વરૂપ પણ આપ્યું છે. મુબશ્શીરાહને તેના દ્વારા અજરખમાં કરવામાં આવતી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ તેને અન્ય કારીગરો દ્વારા ટ્રેડિશનલ અજરખ કરતા અલગ પાડે છે.
પિતા પાસેથી પ્રેરણા લઈને કળામાં કર્યું કામ શરૂ
25 વર્ષીય મુબશ્શીરાહ કે જે આમ તો 8મું ધોરણ જ પાસ છે, પરંતુ તેણે તેના પિતા અને પરિવારના પારંપારીક અજરખના વ્યવસાયમાંથી પ્રોત્સાહન લઈને સોમૈયા કલા વિધામાંથી 1 વર્ષનું ડિઝાઇનનો કોર્સ કર્યો છે અને ગ્રેજ્યુએશન કર્યું છે. મુબશ્શીરાહના પિતા ખાલિદ ખત્રી પણ અજરખ કળા સાથે સંકળાયેલા છે, અને વર્ષોથી જે ટ્રેડિશનલ અજરખ બ્લોક પ્રિન્ટનું કામ તો તેઓ કરતા જ હતા, પરંતુ તેઓએ બીજા કારીગરો કરતા પોતાની કળા અલગ ઉભરી આવે તેના માટે પ્રયત્નશીલ હતા અને તેમને પણ અજરખમાં ડિઝાઈનો કરવાનું શરૂ કર્યું હતું.જેમની પાસેથી પ્રેરણા લઈને તેમની દીકરી મુબશ્શીરાહે પણ આ કળામાં યંગ આર્ટિસ્ટ તરીકે ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.

મુબશ્શીરાહ દ્વારા કરવામાં આવતી દરેક ડિઝાઇનમાં તેના વ્યક્તિત્વનો સ્પર્શ
હજારો વર્ષ જૂની આ અજરખ કળા જ્યારે માત્ર માલધારી પરિવારો માટે થતી હતી ત્યારે અજરખ બ્લોક પ્રિન્ટિંગમાં મહિલાઓનું પણ યોગદાન રહેતું હતું, ત્યાર બાદ સમય જતા દરેક કારીગરોનો પોતપોતાના વર્કશોપ થયા તેમજ અજરખ ફેશનમાં પરિણમી ત્યારથી મહિલાઓનું યોગદાન પૂર્ણ થઈ ગયું હતું, માટે મુબશ્શીરાહે પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈને આ કળા સાથે જોડાઈ અને આજે તેના દ્વારા કરવામાં આવતી દરેક ડિઝાઇનમાં તેના વ્યક્તિત્વનો સ્પર્શ હોય છે.
કંઈ રીતે કરે છે ફ્રી હેન્ડ પેઇન્ટિંગ
અજરખ ફ્રી હેન્ડ પેઈન્ટિંગમાં પણ અજરખ બ્લોક પ્રિન્ટિંગ જેવી જ પ્રોસેસ હોય છે, તેમાં માત્ર બ્લોક પ્રિન્ટની જગ્યાએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કે જે અજરખ બ્લોક પ્રિન્ટ માટે વાપરવામાં આવતા રંગો હોય છે, તે જ હોય છે તેના દ્વારા કરવામાં આવે છે. જેમાં બ્લોકની જગ્યાએ વિવિધ વસ્તુઓ દ્વારા ટેક્સ્ટર તૈયાર કર્યા સાથે જ નિડલ, વિવિધ પીંછા અને બ્રશ દ્વારા ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરવામાં આવે છે.

રેગ્યુલર પહેરવેશના કપડામાં પણ ડિઝાઇન કરી આપે છે અલગ લુક
મુબશ્શીરાહ ખત્રી દ્વારા શરૂઆતમાં વોલપીશ્ તૈયાર કરવામાં આવતા હતા.ત્યાર બાદ કરવામાં આવતી અજરખ ફ્રી હેન્ડ પેઇન્ટિંગની દરેક ડિઝાઇનમાં એક સ્ટોરી હોય છે, તો ઈમ્પરફેક્ટશન વસ્તુઓથી પ્રેરણા લઈને તે ડિઝાઈનો તૈયાર કરે છે. વોલ પેઈન્ટિંગ તો ખૂબ સામાન્ય હતી, પરંતુ રેગ્યુલર પહેરવેશના કપડામાં પણ અજરખની પ્રિન્ટની સાથે સાથે ડિઝાઇન તૈયાર કરીને તેને અલગ લુક આપી રહી છે.
ટ્રેડિશનલ અજરખ બ્લોક પ્રિન્ટ અને મોડર્ન ફ્રી હેન્ડ પેઇન્ટિંગનું કોમ્બિનેશન
મુબશ્શીરાહ ખત્રી ટ્રેડિશનલ અજરખ બ્લોક પ્રિન્ટ અને મોડર્ન ફ્રી હેન્ડ પેઇન્ટિંગ સાથે વિવિધ વેરેબલ પ્રોડક્ટ્સ અને વોલ પેઈન્ટિંગ ડીઝાઇન કરી રહી છે. શરૂઆતમાં મુબશ્શીરાહે પોતાની કળા નાના પાયે અને જુસ્સાથી પ્રેરિત થઈ શરૂ કર્યું હતું, અને મર્યાદિત સંખ્યામાં જ તે ઉત્પાદન કરી રહી છે. છેલ્લા 6 વર્ષથી તે આ કળા સાથે સંકળાયેલી છે પરંતુ હવે તો તે પ્રોફેશનલ રીતે છેલ્લાં 2 વર્ષથી અજરખમાંથી વિવિધ ડિઝાઈનો તૈયાર કરી રહી છે. મુબશ્શીરાહે કારીગર ક્લિનિકના માર્ગદર્શન બાદ પોતાનું ઉત્પાદન વધાર્યું છે, તો પોતાની પ્રોડક્ટ લાઇનનો પણ વિસ્તાર કર્યો છે. ગ્રાહકોને પણ તેમની ડિઝાઈનો ખૂબ પસંદ આવી રહી છે. હાલમાં તે એન્ટિફીટ ગારમેન્ટ બનાવે છે. ઉપરાંત સ્ટોલ, સાડી, ઓવરસાઇઝ આઉટફિટ, કફતાન, કુર્તી, વોલ હેંગિંગ જેવી પ્રોડક્ટ્સ વિવિધ ડિઝાઈનો દ્વારા તૈયાર કરી રહી છે.
મુબશ્શીરાહનું સ્વપ્ન
મુબશ્શીરાહ ઈન્સ્ટાગ્રામ પર એલિસિયન અજરખ નામથી પોતાની પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેંચાણ કરે છે. એલિસિયન એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ ક્રિએટિવ થાય છે.મુબશ્શીરાહનું સ્વપ્ન છે કે તેના દ્વારા બનાવેલી ડિઝાઇન એવી અનોખી રીતે દેખાય કે કોઈપણ વ્યક્તિ, વિશ્વમાં ગમે ત્યાં તરત જ ઓળખી શકે કે તે મુબશ્શીરાહની ડિઝાઇન છે.

કચ્છની અજરખની પ્રથમ મહિલા કારીગર ડિઝાઇનર
મુબશ્શીરાહ પોતે આજે કચ્છની અજરખની પ્રથમ મહિલા કારીગર ડિઝાઇનર છે ત્યારે તેના પાછળનો શ્રેય તે તેના પિતાને આપે છે કે તેમના સાથ સહકારથી તે આજે આગળ વધી છે ત્યારે અન્ય મહિલાઓ કે જેમને પણ કોઈ પણ પ્રકારની કળામાં રસ હોય પોતાનો કોઈ શોખ હોય તો તેમાં મહેનત કરીને આગળ આવવું જોઈએ તેવી વાત મુબશ્શીરાહએ કરી હતી. જેવી રીતે અજરખમાં પુરુષોની કોમ્યુનિટી છે તેવી રીતે મહિલાઓની પણ કોમ્યુનિટી બની શકે છે.

1000 રૂપિયાથી લઈને 70000 રૂપિયા સુધીની પ્રોડક્ટ્સ
મુબશ્શીરાહ 1000 રૂપિયાથી લઈને 70000 રૂપિયા સુધીની પ્રોડક્ટ્સ બનાવે છે. પ્રોડક્શન અંગેની વાત કરતા તે જણાવે છે કે, તે ઘરનું કામ પણ સંભાળે છે, તો સાથે જ તેની પાસે અન્ય કોઈ કારીગર કામ કરવા માટે ન્હોતા, કોઈ ચોક્કસ પ્રોડક્શનનો આંકડો જણાવી શકાય તેમ નથી, અને તેનું ઓનલાઈન તેમજ જ્યારે પ્રવાસીઓની સીઝન હોય છે, ત્યારે પ્રવાસીઓ અને ડિઝાઈનર તેમની રૂબરૂ મુલાકાત લઈને ખરીદી કરતા હોય છે તેમજ માર્ગદર્શન પણ મેળવતા હોય છે. સાથે જ વિવિધ એક્ઝિબિશનમાં પણ તે ભાગ લેતી હોય છે. મુબશ્શીરાહ જણાવે છે કે, અનેક ડિઝાઇનર તેના વર્કશોપ પર આવી તેની અજરખની ફ્રી હેન્ડ પેઇન્ટિંગ ડિઝાઇનની કળા જોઈને તેમની સાથે કામ કરવા તેમજ તેમની પ્રોડક્ટ્સ તેમને આપવા જણાવે છે. પરંતુ મુબશ્શીરાહ પોતાની ડિઝાઇન કરેલી પ્રોડક્ટ્સ પોતે જાતે જ પોતાની બ્રાન્ડના લેબલ સાથે વેંચવા માંગે છે.

તાજેતરમાં યંગ અને ઇનોવેટિવ આર્ટિઝન તરીકે મેળવ્યા 2 એવોર્ડ્સ
મુબશ્શીરાહને કારીગર ક્લિનિક તરફથી અજરખ કળામાં ઈનોવેટિવ કામ બદલ મોસ્ટ ઇનોવેટિવ આંતરપ્રિન્યર ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો હાલમાં કોઈ પણ કળામાં યંગ આર્ટિઝન ખૂબ ઓછા હોય છે, ત્યારે ક્રાફટ કાઉન્સિલ ઓફ તેલંગાણા દ્વારા ટ્રેડિશનલ આર્ટમાં યંગ આર્ટિઝનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ મુબશ્શીરાહે પોતાની અજરખની ફ્રી હેન્ડ પેઇન્ટિંગ ડિઝાઇનની કળા દ્વારા ટ્રેડિશનલ અજરખ બ્લોક પ્રિન્ટ કળામાં પોતાનું ગૌરવપૂર્વક સ્થાન મેળવ્યું છે, અને નાની ઉંમરે નામના મેળવી રહી છે.