મહેસાણા: જિલ્લાના વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર તત્પરતા અને સુજબૂજપૂર્વક કામગીરી કરી, રસ્તામાં જ તાકીદે ડિલિવરી કરાવવી પડી અને માતા-બાળકના જીવ બચાવ્યા.
રાજ્ય સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક સારવાર માટે ઘણી વખત લોકો માટે આશીર્વાદ પુરવાર થઈ છે, ખાસ કરીને ગરીબ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા લોકો માટે આ સેવાએ અને તેમની ટીમે ઘણી વખત પ્રશંસનીય કાર્યો કર્યા છે. ત્યારે વડનગર તાલુકાના ઉન્ડની ગામે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હતી, અને ૧૦૮ ટીમે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી.

108ની પ્રશંસનીય કામગીરી
22મી ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 05:51 કલાકે, ઉન્ડની ગામની 26 વર્ષની એક ગર્ભવતી મહિલાને તીવ્ર પ્રસૂતિની પીડા શરૂ થઈ. જેના પગલે પ્રસૂતાના પરિવારજનો તેને ઈકો કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા, પણ રસ્તામાં મહિલાની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી. આકસ્મિક પરિસ્થિતિને જોઈ, પરિવારજનોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ પર ફોન કરીને મદદ માગી હતી. આ કોલના પગલે વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, જેમાં પાઇલોટ બાબુસિંહ રાઠોડ અને ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિ હતા, તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા.
કારમાં ગુંજી કિલકારી
જ્યારે એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી, ત્યારે મહિલાને અતિશય તીવ્ર દુખાવો થતો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવું શક્ય ન હતું. સ્ત્રીની તબિયત બગડી રહી હોવાથી, ૧૦૮ ટીમે સ્થળ પર જ તબીબી કામગીરી શરૂ કરી. ઈ.એમ.ટી. હાર્દિક પ્રજાપતિએ ઈઆરસીપી (ERCP) પદ્ધતિથી સુરક્ષિત ડિલિવરી કરાવી, અને બાળકનો જન્મ થયો.
માતા અને બાળક બંને સ્વસ્થ
૧૦૮ ટીમે નવજાત બાળકને ‘કંગારૂ મધર કેર’ દ્વારા ગરમ રાખી તાકીદની તબીબી સારવાર આપી, જેથી નવજાતનું તાપમાન નિયમિત રહે. માતા અને બાળક બંનેને વડનગર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહિલાના પરિવારજનો અને ગામલોકોએ ૧૦૮ ટીમની કાર્યશૈલી અને માનવતાવાદી સેવાની હ્રદયપૂર્વક પ્રશંસા કરી છે. શ્રેણીબદ્ધ અને સજાગ કામગીરીના કારણે માતા અને બાળક બંને સુરક્ષિત છે, જે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
પરિવારે માન્યો 108ની ટીમનો આભાર
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ કટોકટીના પળોમાં પણ કદી દવાઈ કરતી નથી, પરંતુ પોતાની સખત મહેનત અને કુશળતા દ્વારા દરેક જીવન માટે એક આશાનું કિરણ બનીને કામ કરે છે.