હે રામ ! ત્રણ માસૂમ બાળકી માતા વિહોણી બની, કામરેજની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - Husband drinking habit
🎬 Watch Now: Feature Video
Published : Dec 18, 2023, 5:36 PM IST
સુરત : દારૂનું દુષણ કેટલાય ઘર-પરિવારને ભરખી ગયું છે. આવો જ વધુ એક કિસ્સો સુરતના કામરેજમાં સામે આવ્યો છે. કામરેજની 32 વર્ષીય પરિણીતાએ પતિની દારૂ પીવાની ટેવથી કંટાળીને આખરે જીવન ટૂંકાવ્યું છે. ત્રણ બાળકીઓને માતાએ ગળેફાંસો ખાઈ લીધો હોવાની માહિતી પ્રકાશમાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
હસતો રમતો પરિવાર : આ અંગે મળતી વિગત અનુસાર સુરતના નાના વરાછા ખાતે ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી ખાતે રહેતા શૈલેષ ગોબરભાઈ દેસાઈની નાની બહેન અલ્પાબેનના લગ્ન 2018 માં કામરેજની શુભ રેસિડેન્સી ખાતે રહેતા કૌશિકભાઈ મગનભાઈ કોડીનારિયા સાથે થયા હતા. લગ્નજીવન બાદ પરિવારમાં 5 વર્ષીય પુત્રી અને ચાર માસની બે જોડીયા એમ ત્રણ બાળકીની ખીલખીલાટ હતો. છેલ્લા છ મહિનાથી કૌશિકભાઈ પરિવાર સાથે કામરેજ નનસાડ રોડની હંસદેવ વીલા સોસાયટી મકાન નંબર 28 માં ભાડેથી રહેતા હતા.
પરિણીતાએ કરી આત્મહત્યા : જોકે પતિ કૌશિકની દારૂ પીવાની ટેવને કારણે બંને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતી હતી. ગતરોજ સવારે આઠ વાગ્યે કૌશિકભાઈ દાઢી કરાવવા બહાર ગયા હતા. ત્યારબાદ નવેક વાગ્યે કૌશિકભાઈ ઘરે પરત ફર્યા તો ઘરની અંદર મોટી બાળકી રડતી હોવાનો અવાજ સાંભળ્યો. દરવાજો ખોલતા અંદર પત્ની અલ્પાબેન પંખાની સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી.
પોલીસ ફરિયાદ : આ ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અલ્પાબેનના મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આત્મહત્યાના પગલે મૃતકના ભાઈ શૈલેષભાઈ દેસાઈએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસ મથકના અનિલભાઈએ જણાવ્યું હતું કે, પરિણીતાએ આપઘાત કર્યાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.