વલસાડ જિલ્લામાં ચૂંટણી આચારસંહિતાને ધ્યાને રાખી ચૂંટણી પંચના આદેશથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમને વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર થતી નાણાકીય હેરફેર પર લગામ કસવા તૈનાત કરી છે. ત્યારેવલસાડ SOG દ્વારા એક ઈસમ પાસેથી 26,50000 રૂપિયાની માતબર રકમ મળી આવતા ફ્લાઈંગ સ્ક્વોડ અને ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું.જે અંતર્ગત વાપી ચાર રસ્તા નજીક આવેલ ગોવિંદા કોમ્પલેક્ષમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાનગોવિદા કોમ્પ્લેક્ષમાં આવેલ 40 જેટલી આંગડિયા પેઢીમાં જરૂરી તપાસ કરી નાણાકીય વ્યવહાર અંગે કડક સુચનાનું પાલન કરવા તાકીદ કરી હતી.
40થી વધુ નાની મોટી આંગડિયા પેઢીથી ધમધમી રહેલા ગોવિંદા કોમ્પલેક્ષમાં અચાનક ત્રાટકેલી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમને જોઈને કેટલાક આંગડિયા પેઢીના વેપારીઓ ભયના કારણે પેઢીઓ બંધ કરીને ભાગ્યા હતાં. મળતી માહિતી મુજબ ચૂંટણીને લઈને અને IPL મેચમાં થતા સટ્ટાના વ્યવહારો ચેક કરવા માટે આ તપાસ હાથ ધરાઈ હતી.
આ કામગીરીમાં વાપી ચૂંટણી પંચની ત્રણ ગાડીઓમાં આવેલા અધિકારીઓએ સેલવાસ અને દમણના ચૂંટણી પંચની પણ મદદ લીધી હતી.પરંતુ અચાનક રેડ પડતાં સમગ્ર વલસાડ જિલ્લાની આંગડિયા પેઢીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.