અમદાવાદઃ ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના કેન્દ્ર ગણાતા લોથલ ખાતે આજે ખાડામાં બે મહિલાઓ પર માટી ધસી પડતા તે બંને ખાડામાં દટાઈ ગઈ હતી. જોકે આ બંને મહિલાઓ પૈકી એકનો બચાવ થયો છે જ્યારે અન્ય એક મહિલાનું મૃત્યુ થયું છે. આ બંને મહિલા અધિકારીઓ જિઓલોજીસ્ટ હોવાની જાણકારી સામે આવી છે.
દિલ્હીથી આવેલી 23 વર્ષિય સુરભી વર્મા નામની યુવાન આઈઆઈટીની પીએચડીની સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે અન્ય એક મહિલા 45 વર્ષના યામા દિક્ષિત હતા. તેઓ અહીં સોઈલ ટેસ્ટિંગની કામગીરી માટે આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલા લોથલમાં હાલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેનાથી થોડા નજીક જ અન્ય એક સાઈટ પર રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પ્રાપ્ત જાણકારીઓ પ્રમાણે આ બંને મહિલાઓ અન્ય ટીમ સાથે અહીં સોઈલ ટેસ્ટિંગની કામગીરીને પૂર્ણ કરવા આવ્યા હતા.
જે ચકાસણીની કામગીરી રૂપે અહીં પંદરેક ફૂટ જેટલો ખાડો જેસીબીની મદદથી કરવામાં આવ્યો હતો. આ ખાડો ખોદાયા પછી તેઓ સોઈલ ટેસ્ટિંગ માટે ખાડામાં ઉતર્યા હતા. જોકે જેવા સુરભી વર્મા સેમ્પલ માટે નીચે નમ્યા કે તુરંત ચીકણી માટીની ભેખડ તેમના પર ધસી પડી હતી. પાણીનું સ્તર પણ જોત જોતામાં ઉપર આવવા લાગ્યું હતું. યામા દિક્ષિત અને સુરભી શર્મા આ માટીની ભેખડ નીચે દટાઈ ગયા હતા. દરમિયાનમાં ત્યાં હાજર અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા અને તેમને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી બાજુ ફાયર વિભાગ, 108ની ટીમ અને સ્થાનીક પોલીસ પણ ઘટનાની માહિતી મળતા સ્થળ પર દોડી આવી હતી. ભારે મથામણ પછી 45 વર્ષના યામા દિક્ષિતનો જીવ બચી શક્યો હતો પરંતુ સુરભી વર્માનો જીવ બચી શક્યો ન્હોતો. તેઓ માટીમાં દટાઈ જતા શ્વાસ રુંધાઈ જતા મૃત્યુ પામ્યા હતા. ઘટનાને લઈને તેમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં યામા દિક્ષિતની સારવાર શરુ કરી દેવાઈ હતી જ્યારે સુરભી વર્માને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં અમદાવાદના બોપલ વિસ્તાર ખાતેનું ફાયર યુનિટ પણ જોડાયું હતું. જેમાં સ્ટેશન ઓફિસર નીતિન ભટ્ટ પોતાની નવ વ્યક્તિઓની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. જોકે બોપલથી ધોળકા ખાતે જ્યાં આ ઘટના ઘટી ત્યાં સુધી પહોંચવામાં તેમને કલાક જેટલો સમય લાગી ગયો હતો. પરંતુ ત્યાં સુધી ધોળકા ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન નીતિન ભટ્ટ સતત ધોળકા ફાયર વિભાગ, સ્ટેટ ફાયર વિભાગ, સ્થાનીક સરપંચ અને અન્ય ઓફિશ્યલ્સ સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા અને ત્યાંથી સ્થિતિ અંગે જાણકારી અને આઈડિયાની આપલે કરી હતી.
ફાયર ઓફિસર નીતિન ભટ્ટે આ અંગે કહ્યું કે, આ સ્થાન રોડ સાઈડ જગ્યા છે ત્યાં આજે દિલ્હીના વિદ્યાર્થીઓ રિસર્ચ માટે ગયા હતા. ત્યાં ગાંધીનગરથી ત્રીજી વ્યક્તિ પણ તેમની સાથે હાજર હતી. તેમણે જેસીબીથી પંદર ફૂટ ખાડો કર્યો હતો. તેઓ અહીં સોઈલ ટેસ્ટીંગ માટે આવ્યા હતા. ખાડો કરી બંને મહિલા અને આ વ્યક્તિ એમ ત્રણ સેમ્પલીંગ માટે અંદર ગયા હતા. ત્યારે એક મહિલા બેન્ડ થઈ નીચે નમ્યા ત્યારે પાણીનું સ્તર આવવાને લાગતા તે માટી સોફ્ટ હતી. ખરેખરમાં અહીં ત્રણેક ફૂટ સુધીમાં પાણી મળે છે. જમીની પાણી અત્યંત ઝડપી અહીં મળી આવે છે. જેથી ઢીલી માટી તે ધસી અને માટીમાં મડ ક્રિએટ કરે છે. ચીકણી માટીમાં બીજા બહેન કમર સુધી ફસાયા. જોકે ત્રીજી વ્યક્તિ બચી શકી હતી પણ આ બહેન જેમ જેમ હાથપગ હલાવી પોતાનો બચાવ કરવાના પ્રયત્નો કરતા હતા તેમ તેમ ફસાતા ગયા. જોકે લોકલ વ્યક્તિઓ અને ધોળકા ફાયર વિભાગની ટીમે તુરંત કામગીરી કરી હતી. સતત ફોન પર સ્ટેટ ફાયર અને લોકલ ફાયર સાથે કનેક્ટ હતા. બંનેને સેફલી બચાવ્યા હતા. અમે ત્યાં પહોંચી સ્થળનું મોનીટરિંગ પણ કર્યું હતું અને તેમાં આ જાણકારી મળી હતી.
અમદાવાદ (ગ્રામીણ) એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે ચાર સંશોધકોની ટીમ, બે IIT દિલ્હીના અને બે IIT ગાંધીનગરના, અભ્યાસ માટે માટીના નમૂનાઓ એકત્રિત કરવા માટે લોથલમાં હડપ્પન સંસ્કૃતિના સ્થળની નજીક ગયા હતા. ચારેય ત્યાં ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં હતા, જ્યારે તેનો એક ભાગ તૂટી પડ્યો અને તેઓ માટીના ઢગલા નીચે દટાઈ ગયા.
તેમણે જણાવ્યું કે આઈઆઈટી દિલ્હીના એક સંશોધકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, જેની ઓળખ સુરભી વર્મા તરીકે થઈ છે. અન્ય ત્રણ લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર છે.
એસપી જાટે જણાવ્યું કે અકસ્માત સ્થળ અને નજીકના પોલીસ સ્ટેશન વચ્ચેનું અંતર લાંબું હોવાને કારણે પોલીસને ઘટના સ્થળે પહોંચવામાં 15 મિનિટનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે અમે IIT દિલ્હીના પ્રોફેસર યમા દીક્ષિતને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ તેમની હાલત નાજુક હતી. તેમને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દીક્ષિત IIT દિલ્હીના સેન્ટર ફોર એટમોસ્ફેરિક સાયન્સ (CAS)માં સહાયક પ્રોફેસર છે અને સુરભી વર્મા તેમના નિર્દેશનમાં સંશોધન કરી રહી હતી. ટીમના અન્ય બે સભ્યો એસોસિયેટ પ્રોફેસર વીએન પ્રભાકર અને સિનિયર રિસર્ચ ફેલો શિખા રાય છે, બંને પુરાતત્વ વિજ્ઞાન કેન્દ્ર, IIT ગાંધીનગરના છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં અકસ્માત મૃત્યુ (AD) નો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. પોલીસે પુષ્ટિ કરી કે ઘટના સમયે સ્થળ પર કોઈ નિયુક્ત પુરાતત્વવિદ્ હાજર નહોતું. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.