રાજકોટ: સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1742 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 5.74 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે. PGVCLની ટીમને ચેકિંગ દરમિયાન ગેરરીતિમાં સીધા લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો, વગેરે જોવા મળ્યા હતા.
રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ 426 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી
રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 426 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 1.63 કરોડ, ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.84 લાખ અને બોટાદ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.89 લાખની વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે.
વધુમાં, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયાએ વાણિજ્ય હેતુના ઈમિટેશન ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડીને મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા હોવાનું માલુમ પડતા રૂ.35 લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરા, વાણિજ્ય હેતુની હોટેલ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ.6 લાખની વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લામાં પણ પીજીવીસીએલની કાર્યવાહી
મોરબી વર્તુળ કચેરી હેઠળના રાણેકપર ગામમાં ગોવિંદભાઈ મૈયાભાઈ, વાણિજ્ય હેતુના પાણીના પ્લાન્ટમાં ડાયરેક્ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા હોવાનું માલુમ પડતા રૂ.6.5 લાખના વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે. ભુજ વર્તુળ કચેરી હેઠળના ગોરેવળી ગામમાં રાહુલભાઈ કરમણભાઈ, વાણિજ્ય હેતુના રિસોર્ટ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ.5.6 લાખની વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે.
આ અંગે ETV Bharat સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર-કચ્છ PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, આ ચાર દિવસ જે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં પાંચ કરોડથી વધુની ચોરી ઝડપાઈ છે. આવું ચેકિંગ અવારનવાર સમયાંતરે કરવામાં આવશે, વીજ ચોરી કરનાર સામે કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે.
આ પણ વાંચો: