અમદાવાદ: દેશની પ્રગતિમાં મહિલાઓ પણ પુરુષો સમોવડી બનીને યોગદાન આપી રહી છે. આ દરમિયાન ગુજરાત માટે ગર્વ કરવા જેવી બાબત સામે આવી છે. દેશની મહિલા કરદાતાઓમાં ગુજરાત ટોચના રાજ્યોમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં વર્ષ 2023-2024માં 22.50 લાખ મહિલાઓઓએ ટેક્સ ભર્યો છે. 30 સપ્ટેમ્બર સુધી મહિલા કરદાતાઓ દ્વારા સૌથી વધુ ટેક્સ ભરવાના મામલે મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મહારાષ્ટ્રમાંથી 36.83 લાખ મહિલાઓએ ટેક્સ ભર્યો છે. જ્યારે ગુજરાત બાદના ક્રમે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનનો ક્રમ આવે છે.
લોકસભામાં રાજ્ય મંત્રીએ આપી મહિલા કરદાતાઓની માહિતી
લોકસભામાં હાલ ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન TMCના સાંસદ માલા રોયે પૂછેલા પશ્નના જવાબમાં નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ માહિતી આપી હતી. જેમાં રાજ્ય મુજબ 2019-20 થી 2023-24 દરમિયાન મહિલા કરદાતાઓની સંખ્યા જણાવવામાં આવી હતી. જે મુજબ ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં 8 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો આ વધારે અંદાજિત 25 ટકા સુધીનો થયો છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા કરદાતાઓની સંખ્યા
વર્ષ | મહિલા કરતાદાઓ |
2019-20 | 18,08,749 |
2020-21 | 18,48,233 |
2021-22 | 19,50,499 |
2022-23 | 20,84,639 |
2023-24 | 22,50,098 |
દેશમાં 5 વર્ષમાં મહિલા કરદાતાઓની સંખ્યા
દેશભરની મહિલા કરદાતાઓની સંખ્યાની વાત કરવામાં આવે તો 2019-20થી 2023-24 દરમિયાન અનુક્રમે આ આંકડો 1.83 કરોડ, 1.82 કરોડ, 1.94 કરોડ, 2.10 કરોડ અને 2.29 કરોડ રહેવા પામ્યો છે.
મહિલા કરદાતા મામલે દેશના ટોપ-5 રાજ્યો
રાજ્ય | મહિલા કરતાદાઓ |
મહારાષ્ટ્ર | 36,83,457 |
ગુજરાત | 22,50,098 |
ઉત્તર પ્રદેશ | 20,43,794 |
તમિલનાડુ | 15,51,769 |
રાજસ્થાન | 13,52,202 |
આ પણ વાંચો: