સુરત : તાજેતરમાં ડુમસથી પકડાયેલા એક કરોડના એમ.ડી. ડ્રગ્સના ચકચારી કેસના આરોપીને વચગાળા જામીન મળ્યા છે. જોકે તેને છોડાવવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવનાર ડો. મહેન્દ્ર એલ. પટેલની પૂછપરછ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ સર્ટીફીકેટના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
બોગસ ડોક્યુમેન્ટ છેક હાઈકોર્ટ પહોંચ્યા : આ બનાવમાં MD ડ્રગ્સના આરોપી સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાં બંધ હતો. આરોપીએ વચગાળા જામીન માટે તબીબ પાસે બોગસ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. જે સર્ટિફિકેટ બોગસ લાગતા હાઇકોર્ટે સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. જે તપાસમાં સર્ટિફિકેટ બોગસવાનું સામે આવ્યું હતું. જે બાદ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર આરોપી ડો. મહેન્દ્ર એલ. પટેલની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એક નહીં પરંતુ અનેક બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે.
સુરત MD ડ્રગ કેસ અને આરોપી આદિલ : આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચના PI કે. આઈ. મોદીએ જણાવ્યું કે, વર્ષ 2020માં ડુમસ રોડ પરથી MD ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરી ઉત્પાદકથી લઇ નીચેના ડ્રગ્સ પેડલર સુધી કુલ 19 આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી આ ગુનામાં લાજપોર જેલમાં કેદ આરોપી આદિલ સલીમ નુરાનીએ ગુજરાત હાઇકોર્ટમાં માતાની સારવાર માટે વચગાળા જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.
બોગસ મેડીકલ સર્ટીફીકેટ બનાવવાનું કૌભાંડ : સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આદિલ સલીમ નુરાનીએ રજૂ કરેલ ક્રિષ્ના હોસ્પિટલના મેડીકલ સર્ટીફીકેટનું વેરીફીકેશન કરતા મેડીકલ સર્ટીફીકેટ તથા લેબોરેટરી રીપોર્ટ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે સુરત ક્રાઇમ બ્રાંચને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જે તપાસમાં પાંડેસરા વિસ્તારમાંથી ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક શોભીતસીંગ મહિપાલસિંહ ઠાકુર તથા બોગસ ડોક્ટરની ડીગ્રી સર્ટીફીકેટ આપનાર ડૉ. રશેષ વિઠ્ઠલદાસ ગુજરાથી તથા ભુપેન્દ્ર રાવતની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ડો. મહેન્દ્ર પટેલની ધરપકડ : આ ગુનામાં મેડીકલ સર્ટીફીકેટ તથા બોગસ લેબોરેટરી રીપોર્ટ બનાવવામાં ડો. મહેન્દ્ર લલ્લુભાઇ પટેલની પણ સંડોવણી જણાઈ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ડો. મહેન્દ્ર પટેલની કોર્ટમાંથી કસ્ટડી મેળવી પૂછપરછ કરતા ઉપરોક્ત રિપોર્ટ સહ આરોપી સાથે મળી લેબ ટેકનીશીયન પાસે બનાવ્યા હોવાની હકીકત જણાવી હતી. આરોપી મહેન્દ્ર પટેલની પૂછપરછ દરમિયાન બીજા ઘણા બોગસ મેડીકલ સર્ટીફીકેટ તથા લેબોરેટરી રીપોર્ટ બનાવ્યા હોવાની શક્યતા જણાય છે. જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.