સુરત : NRP મુદ્દે દેશભરના લોકો રાજ્ય સભામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહેલા નિવેદનને સાંભળી રહ્યા હતાં. તે દરમિયાન પીએમ મોદીએ NRPની જરૂરિયાત સમજાવતા સુરતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેઓએ ઓરિસ્સાના બાળકોના શાળાઓ અંગે ઉલ્લેખ કર્યો હતો, પરંતુ જ્યાં વડાપ્રધાન મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે તેવા તેમના ગુજરાતના સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના બાળકો ક્યાં ભણે છે અને કેવી રીતે ભણે છે તેમજ સરકારી શાળાઓમાં તેઓની માટે શું સુવિધાઓ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જિલ્લાના પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ ઓડિયા માધ્યમની છે. આ સરકારી શાળામાં પ્રાઇવેટ શાળાઓની જેમ હાઇટેક ભણતર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર છે. જેના થકી બાળકો અભ્યાસ કરે છે. તેઓની માટે ખાસ ઓડીયા માધ્યમની પુસ્તકો અને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ નિશુલ્ક આપવામાં આવે છે. આ સરકારી શાળામાં ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ શાળા કોઈ સરકારી શાળા હોય તેવું લાગતું નથી. કારણે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઇ તમામ સુવિધાઓ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે તેવી છે.
ઓરિસ્સાથી હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં આવી પોતાની કર્મભૂમિ સુરતને બનાવનાર લોકો સંચા કારખાનામાં અથવા તો મજૂરી કામ કરતા હોય છે. આવા લોકોના બાળકોનું ભણતર એ મુખ્ય જવાબદારી બની જાય છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરના તમામ ઝોનમાં 7 શાળાઓ ઓડીસા માધ્યમની શરૂ કરી છે. આ અંગે સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ધોરણ-8 બાદ બાળકો ઓડીયા માધ્યમથી ભણી શકે તે માટે ખાસ સુમન શાળા શરૂ કરવામાં આવી છે. આ શાળા 2017થી શરૂ કરાઇ છે. અગાઉ ઓડીયા ભાષામાં ધોરણ 9 અને 10ના હોવાના કારણે બાળકો ભણતર છોડી દેતા હતા અથવા તો ઓરિસ્સા જતા રહેતા હતા.
NRP મુદ્દે પીએમએ જણાવ્યું હતું કે સુરતમાં મોટી સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો રહે છે, પરંતુ ભાષાના આધારે સરકાર તેઓના બાળકોના અભ્યાસ માટે શાળાની સુવિધા ન આપે તે ખોટું કહેવાય. વડાપ્રધાન કહેવા માંગતા હતા કે ભાષાના આધારે જો NRPમાં ડેટા કલેક્ટ કરવામાં આવે તો માઈગ્રેટ થઈ બીજા રાજ્યમાં જનાર લોકો માટે એ લાભકારી બની શકે. જેથી માઈગ્રેટ લોકો સુવિધા આપવા માટે NRP જરૂરી છે. પીએમ મોદીએ સુરતમાં રહેતા ઓરિસ્સાના લોકોની વાત રાજ્યસભામાં મૂકી, ત્યારે સુરતમાં રહેતા લોકો પણ ખુશ થઈ ગયા હતા.
ઓરિસ્સા સમાજના આગેવાન શ્રીકાંતે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ઓરિસ્સાથી લોકો ગુજરાતમાં રોજગાર માટે આવે છે. હાલ સુરતમાં ઓરિસ્સા સમાજના 7 થી 8 લાખ લોકો રહે છે. તેમના બાળકો માટે સરકારે સારી શાળા ઉભી કરી છે. જાણીને સારું લાગ્યું કે જ્યારે પીએમ મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ તેઓની ચિંતા કરતા હતા અને પીએમ બન્યા બાદ પણ તેની ચિંતા કરી રહ્યા છે.