રાજકોટ: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજનાર છે. ત્યારે આ ચૂંટણીઓને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના પ્રભારી બી.એમ સંદીપ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. જ્યારે બી.એમ સંદીપ હાલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હોય જેને લઇને લઈને તેમને ઈટીવી ભારત સાથે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઈને ખાસ વાતચીત કરી હતી.
કોંગ્રેસની તૈયારી શરૂ: કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બી.એમ સંદીપે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી લોકસભાની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને હોદ્દેદારો સાથે અમે એક વખત દિલ્હીમાં ચર્ચા કરી હતી અને ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી તૈયારીના ભાગરૂપે અમે ગુજરાતના જિલ્લા લેવલ સુધી અલગ-અલગ બેઠકો પણ યોજી છે. તેમજ સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓના પ્રમુખો સાથે પણ બેઠક યોજી હતી. હાલ અમારા સંગઠન અને ગ્રાઉન્ડ લેવલની મજબૂત સ્થિતિ છે. હવે ટૂંક સમયમાં રાજ્યના જે જિલ્લાઓમાં પ્રમુખો સહિતના હોદ્દેદારોના પદ ખાલી છે ત્યાર ટૂંક સમયમાં જ પ્રમુખો પણ જાહેર કરવામાં આવશે અને કોંગ્રેસમાં ઘણા બધા બદલાવો પણ જોવા મળશે.
ડુંગળીના ભાવમાં કારણે ખેડૂતોમાં ખૂબ રોષ: બી.એમ.સંદીપે વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અમે તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે આગામી 22 તારીખથી ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવનાર છે. આ અંગે રાજકોટમાં બેઠક યોજી જેમાં ડુંગળીના વધતા ભાવને લઈને ખેડૂતોમાં ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે, તેની પણ ચર્ચા કરી હતી. સરકારે પણ ખેડૂતોને પૂછ્યા વગર ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે ડુંગળીના ભાવ એકાએક નીચે આવી ગયા છે. ત્યારે ખેડૂતોમાં ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે, એવામાં સરકાર દ્વારા આ મુદ્દાની ચર્ચા કરવામાં આવતી નથી.
લોકો કોંગ્રેસ અને ઇન્ડિયાને સમર્થન આપશે: જ્યારે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકમાં ભાજપની જીત છેલ્લા ઘણી ટર્મથી જોવા રહી છે. ત્યારે આ આ મામલે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીએ જણાવ્યું હતું કે, અગાઉ આવી પરિસ્થિતિ નહોતી. છેલ્લી બે ત્રણ ટર્મથીભાજપ જીતી રહી છે. લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ રાખીને તેને મત આપ્યા હતા પરંતુ આ વિશ્વાસ હવે તૂટ્યો છે. જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજના છે, ત્યારે લોકો પણ કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનને મોટા પ્રમાણમાં સમર્થન આપશે.
જવા વાળાઓની અમે ચિંતા નથી કરતા: કોંગ્રેસ છોડીને ભાજપમાં જનારા ધારાસભ્યો અને પૂર્વધારાસભ્યો મામલે તેમને જણાવ્યું હતું કે, જે લોકોને જવું હોય તેમની અમે ચિંતા કરતા નથી. તેમજ જે લોકો ભાજપમાં નથી જઈ રહ્યા તેમને ડરાવીને ધમકાવીને ખરીદીને લઈ જવામાં આવી રહ્યા છે. હાલમાં કોંગ્રેસના એક ધારાસભ્ય ભાજપમાં ગયા છે તેમને કોન્ટ્રાક્ટનો મુદ્દો હતો અને તેમને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. જોકે હવે કોંગ્રેસમાંથી કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં જવાના નથી. આ પ્રકારની વાતો ભાજપ દ્વારા ફેલાવવામાં આવી રહી છે કે કોંગ્રેસમાંથી હજુ પણ ધારાસભ્યો ભાજપમાં આવવાના છે પરંતુ આવી વાત ક્યાંય મને જોવા મળી રહી નથી.