અરવલ્લીઃ એક તરફ સાયબર ગુનાઓ શોધવા માટે પોલીસ નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ત્યારે ચોર પોલીસ કરતા પણ એક પગલું આગળ ભરીને ચોરી કરવા માટે નવી નવી તરકીબ અપનાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાનગરની વાત કરવામાં આવે તો અહીં ગઠિયાઓએ એટીએમ જેવું કાર્ડ બનાવી એટીએમ મશીનમાંથી રૂપિયા 1.97 લાખની ઉચાપત કરી હતી. ગઠિયાઓ માસ્ક પહેરીને એટીએમમાં આવી એટીએમ જેવું જ દેખાતું કાર્ડ નાખી મશીનમાં નાખી એક, બે નહીં, પરંતુ 18 ટ્રાન્જેક્શન કરી રૂપિયા 1.97 લાખ મશીનમાંથી કાઢી લીધા હતા.
જોકે, આ બાબત બેંગ્લોર સ્થિત હેડ ઓફિસના અધિકારીઓને ધ્યાને આવતા ઓફિસથી ભિલોડા કેનરા બેન્કના બ્રાન્ચ મેનેજરને મેઈલથી જાણ કરી તો બ્રાન્ચ મેનેજર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ગઠિયાઓએ બેન્ક કર્મચારીઓ અને પોલીસને ધંધે લગાડી દીધા. સાઈબર ગઠિયાઓએ નવી નવી ટેક્નિક અજમાવી એટીએમમાંથી પૈસા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડીસ જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. કેનરા બેન્કના મેનેજરે ભિલોડા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.