અમદાવાદઃ કોરોના વાઇરસે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આવા કપરા કાળમાં ચા એ એગ્રીકલચર પ્રોડક્ટ હોવાથી આ વર્ષે કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ હતી અને જે ને કારણે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચાના બગીચાઓમાં પણ કોરોનાની અસર જોવા મળી હતી અને ચા જે વાતાવરણમાં ઉગતી હોય છે તેવા વાતાવરણ અને તે સમયમાં જ લોકડાઉન હોવાને કારણે ચાનું ઉત્પાદન જરૂરિયાત મુજબના યોગ્ય જથ્થામાં થઈ શક્યું નથી.
ચાના ભાવમાં વધારો થયો
- વેસ્ટ બંગાળ અને આસામમાં અમ્ફાન વાવાઝોડું, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અને પૂરની સ્થિતિને કારણે ઉત્પાદનમાં ઘટાડો
- ચાની ખેતીમાં 200 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો
- ઓછા ઉત્પાદનને કારણે 15 ટકા જેટલા ભાવ વધ્યા
- સપ્ટેમ્બર સુધીમાં જો આ સ્થિતિમાં સુધારો ન આવે તો બીજા 15 ટકા પણ વધી શકે છે
જ્યાં સૌથી વધુ ચા ઉગાડવામાં આવે છે, તેવા પ્રદેશ પશ્ચિમ બંગાળ અને આસામમાં વાવાઝોડું, કોરોના વાઇરસના સંક્રમણને રોકવા લાગુ કરાયેલા લોકડાઉન અને હાલમાં જ પૂરની સ્થિતિના લીધે ચાના વાવેતરમાં 200 મિલિયન કિલોનો ઘટાડો થયો છે. ઓછા ઉત્પાદનને કારણે 15 ટકા જેટલા ભાવ વધ્યા છે અને હજૂ સપ્ટેમ્બર સુધીમાં જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો બીજા 15 ટકા પણ વધી શકે છે. પ્રિમિયમ ચાની પ્રોડક્ટમાં 100થી 200 રૂપિયા વધુ આપવા છતાં કંપનીઓને સારી ગુણવત્તા અને પુરતો જથ્થો મળવાની સંભાવનાઓ ઓછી છે. જેથી આ વખતે ચાની કવોલીટી જાળવી રાખવી પણ મુશ્કેલ છે.
લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહારની ચા જેમ કે કીટલી, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ હોવાથી વેચાણ પણ ઘટ્યું છે. હવે આવતા વર્ષ સુધીમાં કદાચ આ સ્થિતિ સુધરે તો ચાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. બાકી આપણા દેશમાં તો કોઈપણ સમયએ ચા પીવાનો સમય માનવામાં આવે છે, એટલે ચાના રસિયાઓએ થોડા વધારે રૂપિયા ચામાં ખર્ચવા પડશે.