અમદાવાદ: નિષ્ફળ વ્યવસ્થાતંત્ર કોને કહેવાય તે શીખવું હોય તો કોઈ અમદાવાદના વ્યવસ્થા તંત્ર પાસેથી શીખે. કોરોના વાયરસને પૂર્વથી પશ્ચિમમાં પ્રસરતો અટકાવવા માટે પહેલાં તો અમદાવાદની સાબરમતી નદી પરના પાંચ બ્રિજ બંધ કરવામાં આવ્યાં છે, પરંતુ સરકારે આર્થિક પ્રવૃત્તિઓ માટે છૂટછાટ આપતાં સુભાષબ્રિજ પરનું ભારણ ઘટાડવા માટે દધીચી બ્રિજને શરૂ કરાયો હતો, પરંતુ સરકારી વ્યવસ્થાતંત્રને મોડેમોડે જ્ઞાન લાગતાં કે દધીચી બ્રિજના પૂર્વ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ છે અને કન્ટેનમેન્ટ એરિયામાં સમાવેશ થાય છે. જેના કારણે ત્યાંથી આ તરફ વાહન વ્યવહાર શરૂ થાય તો કોરોના કેસોમાં વિસ્ફોટ સર્જાઇ શકે છે. તેમ લાગતાં દધિચી બ્રિજને સવારે શરૂ કરીને બપોરે ફરીથી બંધ કરવામાં આવ્યો છે.
જ્યારે સવારે આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો ત્યારે પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિકની અવરજવર થઇ હતી. ફરીથી જ્યારે લોકો નોકરીએથી છૂટ્યાં અને તે બ્રિજ તરફથી પોતાના ઘર તરફ જવા નીકળ્યાં ત્યારે બ્રિજને બંધ જોઈને તેમને વિલા મોઢે પરત ફરવું પડયું હતું. આમ આ અવ્યવસ્થા તંત્રનું ભોગ પ્રજાએ બનવું પડ્યું છે.
જ્યારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે બ્રિજ શરૂ કરવામાં આવ્યો પરંતુ ઉપરથી આદેશ આવતાં ફરીથી બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. પરંતુ ઉપરથી આદેશ પ્રમાણે બ્રિજને ખોલવો કે બંધ રાખવો કે અમુક સમયે ખોલવો તેનો અમલ કરાશે.