રૂડકી: વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તરાખંડના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રૂડકી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજનો કહેવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કોલેજના ગાર્ડ્સ અને સ્ટાફની હાજરીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહીતી મુજબ, કોઈ કારણસર એક વિદેશી વિદ્યાર્થીને કોલેજની બહાર કાઢવામાં આવ્યો હતો. છતાંપણ તે તેના મિત્ર સાથે હોસ્ટેલમાં રોકાયો હતો. બન્ને વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટલમાંથી બહાર કાઢવા માટે ગાર્ડને બોલવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થી અને ગાર્ડ વચ્ચે ઝગડો થયો હતો. અવાજ થતાં અન્ય ગાર્ડ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ગાર્ડે બન્ને વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. વાઇરલ વીડિયોમાં જોવા મળ્યું કે, ગાર્ડ વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મારતાની સાથે સીડી નીચે ખેંચી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને 12થી વધુ ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. બન્ને વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં નજીકની આરોગ્યમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીઓ મંગલોર અભય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માર મારવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં વીડિયો અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. સીઓએ કહ્યું કે, આવી ઘટના નિંદાજનક છે, જે દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.