લોકોની સુરક્ષા માટે તૈનાત રહેતું પોલીસતંત્ર આજે પોતાની સુરક્ષા માટે માગ કરી રહ્યું છે. કારણ કે, થોડા સમય પહેલાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસને માર મારવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલાં પોલીસકર્મીઓએ હેડક્વાર્ટર બહાર એકઠાં થઈ સુરક્ષા માગ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ વિરોધ અટકાવવા માટે દિલ્હી પોલીસ કમિશ્નરે પોલીસકર્મીને અપીલ કરી હતી. સાથે પોલીસની ફરજ શું છે તે અંગે જણાવ્યું હતું. પરંતુ, પોલીસકર્મીઓ પોતાનો વિરોધ અટકાવવા રાજી ન હતાં. તેઓ પોતાની માગ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ પર અડગ રહેવા જણાવી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણ બાદ તમામ પોલીસકર્મીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે એક જૂથ થયા હતાં અને તંત્ર સામે વિરોધ નોંધાવીને પોતાની સુરક્ષા અંગેની રજૂઆત કરી હતી.
આ અંગે વિરોધકર્તા પોલીસકર્મીએ જણાવ્યું હતુ્ં કે, તેમણે હજારી કોર્ટમાં માર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવી હતી. જો આવી ઘટના થતી રહેશે તો પોલીસનું મનોબળ તૂટી જશે. જનતાની સુરક્ષા માટે પોલીસ છે પણ પોલીસ માટે કોઈ નથી. આથી, અમે અમારી સુરક્ષા અંગેની માગ કરી રહ્યાં છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની અપીલ પછી અને 10 કલાકના રિસામણા મનામણા પછી પોલીસ કર્મચારીઓએ અંતે વિરોધ પ્રદર્શનને પુરુ કર્યુ હતું.