જૂનાગઢ: ભાવનગરથી દ્વારકા સુધી બની રહેલા કોસ્ટલ હાઇવે પર આજે ઉના નજીક ગાંગડા ગામ પાસે ગામ લોકો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ એ હતું કે, રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સર્વિસ રોડ જેવી અન્ય કોઈ સુવિધાઓ આપવામાં આવી રહી નથી. પરિણામે ગામના લોકો આજે વિરોધ પ્રદર્શન માટે રોડ પર એકઠા થયા હતા.
આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને આગામી એકાદ મહિનામાં ખેડૂતો અને ગામ લોકોની માગનું નિરાકરણ થશે તેવી હૈયાધારણા આપી હતી. જેના અંતે ગામ લોકો અને ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યું હતું.
સર્વિસ રોડને લઈને ખેડૂતોમાં વિરોધ: તમને જણાવી દઈએ કે, ભાવનગરથી દ્વારકાને જોડતા બની રહેલા કોસ્ટલ હાઇવે પર ઉના તાલુકાના ગાંગડા નજીક સર્વિસ રોડ અને તેના જેવી અન્ય સુવિધાઓ નથી. જેની માગના પરિણામે ગાંગડા સનખડા સહિત અસરગ્રસ્ત 10 ગામના લોકો અને ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચકાજામ કરી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં ગામ લોકોની ઉગ્ર રજૂઆતને પગલે પ્રાંત અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધીકરણના અધિકારીઓએ ગામલોકોની તમામ વાત સાંભળી હતી અને આગામી એકાદ મહિનાની અંદર સર્વિસ રોડનું કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી પણ આપી હતી.
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો કરી રહ્યા હતા માંગ: છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને ગામ લોકો ઉના નજીકથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ડિવાઈડર, સર્વિસ રોડ અથવા તો સર્કલ બનાવવાની માંગ કરી રહ્યા હતા. 27મી નવેમ્બરે ઉનાના પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને ગામ લોકોને ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સર્વિસ રોડની માંગ કરી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ આશ્વાસન ન મળતા આજે ખેડૂતો અને ગામ લોકો આંદોલન પર ઉતર્યા હતા.
તમને જણાવી દઈએ કે, સનખડા અને ગાંગડા ગામ નજીક સર્વિસ રોડ ન હોવાને કારણે છેલ્લા એક મહિનામાં અકસ્માતના 5 થી 6 બનાવો બન્યા છે. જેમાં 4 થી 5 લોકોના મોત થયા છે. ગામમાંથી શહેર તરફ ભણવા જતાં વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જેથી સર્વિસ રોડ ન હોવાને કારણે તેઓને ફરજિયાત રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થવું પડે છે. પરિણામે શાળામાં અભ્યાસ કરતા બાળકો પર પણ અકસ્માતનો ખતરો ઊભો થયો છે.
અહીં જાણવા જેવી બાબત એ છે કે, આ સમગ્ર મામલે ઊના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધીકરણના અધિકારીઓને એકાદ મહિનામાં સર્વિસ રોડ બનાવવાની તાકીદ કરી છે. જેના પરિણામે આજે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન પૂરું થયું હતું.
આ પણ વાંચો: