સુરત : અમરોલી વિસ્તારમાં એક અનોખા લગ્ન સમારોહનું આયોજન થયું, જેમાં સનાતન ધર્મ ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિનો સમન્વય જોવા મળ્યો. છાપરાભાઠા વિસ્તારના ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારના તળાવિયા પરિવારના લગ્ન પ્રસંગમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું.
મિલન તળાવિયાના અનોખો લગ્ન : વરરાજા મિલન તળાવિયા અને મયુર ટાંકે પ્લેકાર્ડ સાથે પ્રવેશ કર્યો અને લગ્નવિધિ પહેલાં તમામ મહેમાનો સાથે સામૂહિક રાષ્ટ્રગીત અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. આ અનોખા આયોજનમાં કુલ 3000થી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો.
અંગદાન અને રક્તદાનનો સંદેશ આપ્યો : આ કાર્યક્રમમાં વિપુલભાઈ તળાવિયા, નીતિનભાઈ ધમાલિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા લાઇવ બ્લડ બેંક અંતર્ગત રક્તદાન માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. આ રીતે એક લગ્ન પ્રસંગને સામાજિક જાગૃતિના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો, જેમાં મૃત્યુ પછી પણ અન્ય લોકોના જીવન બચાવી શકાય તેવો સંદેશ આપવામાં આવ્યો.
"આપણા વ્યક્તિના મૃત્યુ પછી પણ અન્ય લોકોના જીવન દીપાવી ઉપયોગી થઇ શકાય છે. ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકાય છે." -- મિલન તળાવિયા (હાસ્ય કલાકાર)
સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપની પહેલ : આ સંસ્થા વતી વિપુલભાઈ તળાવિયા, નીતિન ધમાલિયા, વિપુલ બુહા, વિશાલભાઈ બેલડીયા, સતીશભાઈ ભંડેરી, રોનકભાઈ ઘેલાણી, મિલનભાઈ કાનાણી, યોગીભાઈ, ભૌતિકભાઈ, પાર્થભાઈ સુદામા, સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપના સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન સાથે નવ યુગલને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઇવ બ્લડ બેંક અંતર્ગત લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.