બનાસકાંઠા: જિલ્લામાં આવેલા અમીરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસના મુસાફર પાસેથી દેશી પિસ્તોલ અને 8 જીવતા કારતુસ મળી આવ્યા છે. પકડાયેલો શખ્સ કચ્છના અંજારમાં ડિલિવરી આપવા જતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમીરગઢ પોલીસે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધા બાદ સમગ્ર મામલામાં 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો: રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અમીરગઢ ચેકપોસ્ટ સંવેદનશીલ ગણાય છે. અહીંયાથી અવારનવાર નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થાય છે. તો ક્યારેક ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતા લોકો પણ પોલીસના હાથે ઝડપાઈ જતા હોય છે, ત્યારે ફરી એકવાર રાજસ્થાનનો શખ્સ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે બસમાં મુસાફરી કરતો ઝડપાયો છે. અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસમાં બેઠેલા મુસાફર પાસેથી પિસ્તોલ સાથે 8 જીવતા કારતુસ ઝડપી લેવામાં આવ્યા છે.
શખ્સ સામે પોલીસ ફરિયાદ: રાજસ્થાનના પ્રતાપગઢના મુખમપુરાના સદ્દામહુસેન કલ્લુખાન શેખની અમીરગઢ પોલીસે હાલમાં અટકાયત કરી લીધી છે અને તેની સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો. તે બાબતની પૂછપરછ કરતા પોતે ભંગારનો ધંધો કરતો હોવાનું અને તેણે મધ્યપ્રદેશના મંડસૌર જિલ્લાના બનગડમાં રહેતા સુરજસિંહ પાસેથી આ પિસ્તોલ લાવીને કચ્છના અંજારમાં ગુલામભાઈ નામના શખ્સને આપવાની હોવાની કબુલાત પકડાયેલા શખ્સે કરી છે.
આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો: અમીરગઢ પોલીસે આ શખ્સ પાસેથી દેશી પિસ્તોલ અને 8 જીવતા કારતુસ સહિત કુલ 32 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ અંજારમાં જે વ્યક્તિને આ પિસ્તોલ તેમજ કારતૂસ આપવાનો હતો. તે ગુલામભાઈ નામના શખ્સ અને પિસ્તોલ આપનારા મધ્યપ્રદેશના સુરજસિંહ સહિત 3 સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: