સુરેન્દ્રનગર : દિવ્યાંગ લોકો પ્રત્યે લાગણી રાખવી તેમજ તેમને મદદરૂપ થવું તે આપણી અને સમાજની ફરજ છે. સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા આવી જ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ નવા જીવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા 30મા દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના સમૂહ લગ્ન : સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 દિવ્યાંગ બહેનોના લગ્ન કરવામાં આવ્યા હતા. અગાઉ પણ સંસ્થા દ્વારા આવી રીતે આયોજન કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 244 અને આજે છ મહિલા મળીને કુલ 250 બહેનોના લગ્ન કરાવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ : અંધ દીકરીઓ સમાજમાં આગળ આવે અને પોતાનું જીવન સ્વનિર્ભર બનીને જીવી શકે તે માટે સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન તેમજ રસોઈ હરિફાઈનું આયોજન કરવામાં આવે છે.
પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના ઉત્થાન માટે પ્રયાસ : પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ બહેનોને રહેવા ખાવા-પીવાની તેમજ અન્ય સુવિધા આપવામાં આવે છે. સાથે જ આ બહેનો કામ કરીને સ્વનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત સંસ્થાની જે દીકરીના લગ્ન થાય છે તે દીકરીની પ્રથમ ડિલિવરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દિવ્યાંગ બહેનો સમાજમાં આગળ આવે અને પોતાનો સંસાર સુખી રીતે આગળ વધારી શકે તે હેતુથી આ સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.