ગાંધીનગર : રાજ્યમાં બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થયું છે. જેમાં નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્ર દરમિયાન રાજ્ય અને વિધાનસભામાં ખાલી ઉચ્ચ અધિકારીઓની જગ્યા અંગે પ્રશ્નનો ઉઠ્યા હતા. જોકે, બીજી તરફ હાલમાં જ ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરાયા છે.
ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી : ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની (PSI) ખાલી જગ્યાઓ ભરવા હાલ ભરતી ચાલી રહી છે. ઉપરાંત ટૂંક સમયમા વધુ ભરતી બહાર પડે તેવા અહેવાલ છે. આ વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટરની (PI) જગ્યાઓ માટે પોલીસ વિભાગમાં બઢતી અંગેનો નિર્ણય કરાયો છે. ગુજરાત પોલીસ વિભાગના વડા IPS વિકાસ સહાયે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
159 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને બઢતી : ગુજરાત પોલીસ વિભાગના વડા IPS વિકાસ સહાયે જાહેર કરેલ પરિપત્ર અનુસાર ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 159 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ને બઢતી આપી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પદ પર નિમણુંક કરવામાં આવ્યા છે.
15 GAS અધિકારીને IAS તરીકે બઢતી : આ ઉપરાંત જાહેર વહીવટ વિભાગમાં પણ મોટા ફેરફાર થયા છે. ગુજરાત વહીવટી સેવાના (GAS) કુલ 15 અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં (IAS) બઢતી આપવામાં આવી છે. IAS કેડરમાં બઢતી ભારતીય વહીવટી સેવા (ભરતી અને નિમણુંક) નિયમો, 1954 અને અન્ય સંબંધિત નિયમો અનુસાર કરવામાં આવી છે.
રાજ્ય સિવિલ સર્વિસ 2024 ની અધિકારીઓની પસંદગી સૂચિમાં પી. એ. નિનામા, કે. પી. જોશી, બી. એમ. પટેલ, કવિતા રાકેશ શાહ, બી. ડી. દવેરા, એ. જે. ગામીત, એસ. કે. પટેલ, એન. એફ. ચૌધરી, એચ. પી. પટેલ, જે. કે. જાદવ, ડી. કે. બ્રહ્મભટ્ટ, એમ. પી. પંડ્યા, આર. વી. વાળા અને એન. ડી. પરમારનો સમાવેશ થાય છે.