કચ્છ : રાજ્યના સરહદી જિલ્લા કચ્છ ભયાનક રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજે બપોરે 1:30 કલાકના અરસામાં મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 5 લોકોના મોત નિપજ્યા છે.
ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 5 થી વધુ લોકોના મોત થયા હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું છે. જોકે, સત્તાવાર રીતે હજુ કોઈ આંકડો જણાવવામાં નથી આવ્યો.
પાંચ લોકોના મોત-18 ઘાયલ : કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં કુલ 40 લોકો સવાર હતા, જેમાંથી 5 થી વધુ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 18 જેટલા લોકો ઘાયલ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ખાનગી બસનો ભુક્કો બોલ્યો : અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો હિસ્સો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સ્થાનિક પ્રશાસન અને રાહતદળો ઘટનાસ્થળે પહોંચ્યા છે. તો ઘાયલોને 108 અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
પોતાનું નામ નહીં જણાવવાની શરતે જે વ્યક્તિએ લાઇવ અકસ્માત જોયો એમણે જણાવ્યું કે, આ ટ્રિપલ અકસ્માત હતો. જેમાં ટ્રેઇલર, કન્ટેનર ટ્રેલર અને ખાનગી બસ વચ્ચે ઓવરટેક કરવાના મામલામાં અકસ્માત થયો હતો. જેમાં ટ્રેઇલરે બસને બચાવવા પલટી ખાધી હતી. જ્યારે કન્ટેનર ટેલર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. પોતે બાઈકથી જઈ રહ્યા હતા અને તેઓ પણ 1 સેકન્ડ માટે બચ્યા હતા અને બાઇક રોડની નીચે બાવળની ઝાડીઓમાં ઉતારી દીધી હતી.