મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી - Rath Yatra 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 3:46 PM IST
મોરબી: આજે અષાઢી બીજના પાવન પર્વે જયારે વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે મોરબીમાં પણ વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે આજે મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. આજે મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં માલધારી સમાજ સહિતના શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક જોડાયા હતા. માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા શરુ થઇ હતી. જે શહેરના પરા બજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફરીને દરબાર ગઢ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર રથયાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઠેર ઠેર શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ થયા બાદ મચ્છુ માતાજીના મંદિરે ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. પોલીસે સમગ્ર રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.