ઉમરપાડામાં બારેય મેઘ ખાંગા થયા : પાંચ કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, નદી-નાળા છલકાયા - Surat Weather Update
Published : Jul 15, 2024, 2:24 PM IST
સુરત : હવામાન વિભાગની આગાહી વચ્ચે આજરોજ સવારે સુરત જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થતા માત્ર પાંચ કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગણતરીની કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી, નાળા, ચેકડેમ ઓવરફ્લો થયા હતા. સાથે જ જળાશયો પરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
આ સીઝનમાં પહેલી વાર જળાશયો છલકાતા લોકો જળાશયો પર દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરપાડા તાલુકામાં મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી કરતા હોય છે. જેથી વરસેલો ધોધમાર વરસાદ ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હજુ પણ વધુ વરસાદ વરસે તેવી શક્યતા છે. જેને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.