રાજકોટના સાતમ-આઠમના લોકમેળામાં સ્ટોર્સ અને પ્લોટની સંખ્યામાં ઘટાડો, કલેકટરે આપી માહિતી - Rajkot News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. આ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજવાનો છે. આ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં 30% નો ઘટાડો કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકોની સરળતા અને સુરક્ષાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે મેળાના સ્ટોલમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તો સાથે જ મેળામાં થ્રી લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવશે. ડ્રોન કેમેરાની મદદથી લોકમેળા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ બાજ નજર રાખવામાં આવશે. સેફટી માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નવા નિયમો લાગુ કરવામાં આવશે. કન્ટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ સરકારી ફીટનેશ સર્ટીફીકેટ બાદ જ રાઇડ્સ ચાલુ કરવા દેવામાં આવશે આ પ્રકારના નિર્ણય લોકમેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે. દર વર્ષે 15 લાખ જેટલા લોકો 5 દિવસીય યોજનાર લોકમેળાની મુલાકાત લેતા હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રમકડાના સ્ટોરની સંખ્યા ગત વર્ષે 240 હતી જેને ચાલુ વર્ષે 180 કરાશે તેમજ રાઇડ્સના પ્લોટની સંખ્યા 44 હતી જેને ઘટાડીને 29 કરી દેવામાં આવશે.