કચ્છઃ હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં કાંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા જ ઘણી બેઠકો પર ભાજપ વિજયી થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે અગાઉ તાપીમાં નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ બિનહરીફ બન્યું અને વિજેતા થયું. આ પછી જુનાગઢમાં પણ 9 બેઠક પર ભાજપ બિનહરીફ વિજય થયું છે. બોટાદમાં પણ 7 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થયું છે અને હવે ભચાઉમાં પણ ભાજપ 21 બેઠકો પર આ જ રીતે વિજેતા થયું છે. મતલબ કે ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા જ લગભગ 38 બેઠકો પર પતાકા લહેરાવી દીધી છે.
પૂર્વ કચ્છના ભચાઉમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મેદાન માર્યું છે. કચ્છના ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપ માટે સારા સમાચાર સામે આવ્યા છે અને ભચાઉ નગરપાલિકામાં ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ ભાજપની જીત લગભગ નિશ્ચિત છે હવે માત્ર 7 બેઠક પૂરતી ચૂંટણી યોજાશે.
ભચાઉમાં 28 બેઠક પૈકી 21 પર ભાજપ બિનહરીફ જાહેર
ભચાઉ નગરપાલિકામાં 28 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા યોજવાની હતી. જે પૈકી ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ વિજેતા થતા હવે માત્ર 7 બેઠક પર ચૂંટણી યોજાશે. ત્યારે મતદાન પહેલા કોંગ્રેસની કારમી હાર થઈ છે. ભાજપએ ઢોલ નગારા સાથે બિનહરીફ વિજેતા ઉમેદવારનું સ્વાગત કર્યું હતું. ભાજપે ચૂંટણી વગર જ બહુમતી મેળવી ભચાઉ નગરપાલિકા કબ્જે કરી છે.
ભચાઉ ખાતે ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી
ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે જેમાં 28 ઉમેદવારોનો સમાવેશ થાય છે જે પૈકી ભાજપ 21 બેઠકો પર બિનહરીફ થઇ જતા ફરી ભચાઉ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોના પક્ષમાં ગઈ છે ત્યારે આવતી કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે હજુ પણ ભાજપની બેઠકોમાં વધારો જોવા મળી શકે છે. ભચાઉ નગરપાલિકા કબ્જે કરતા આજે ભચાઉ ખાતે ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.
નગરપાલિકાની માત્ર 7 બેઠક માટે જ મતદાન યોજાશે
21 જાન્યુઆરીના નગરપાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે.તો કચ્છના રાપર અને ભચાઉ નગરપાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું. ત્યારે રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો માટે આગામી તા.16 ફેબ્રુઆરીના મતદાન થવાનું હતું ત્યારે હવે ભચાઉ નગરપાલિકાની માત્ર 7 બેઠક માટે જ મતદાન યોજાશે.
"આવનારા સમયમાં નવી ચૂંટાયેલી બોડી દ્વારા અગાઉ કરતા 10 ગણો વિકાસ કરવા પ્રયત્નો"
ભાજપના આગેવાન કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 21 નહીં 28 એ 28 બેઠક ભાજપની જ છે. ચૂંટણી જાહેર થઈ અને કોંગ્રેસને મજબૂત દાવેદાર પણ ના મળી શક્યા. આજે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. બાકીની 7 બેઠક પર પણ કોંગ્રેસના માત્ર 3થી 4 ઉમેદવાર જ ફોર્મ ભર્યું છે. રાજ્ય સરકાર ભાજપની છે અને કચ્છમાં પણ ભાજપની સત્તા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભચાઉ અને રાપરના તમામ સભ્યોએ બેઠક કરી નક્કી કર્યું હતું કે, તમામ સમાજ સમરસતા દર્શાવે અને બેઠકો બિનહરીફ થાય. ભચાઉમાં આટલા વર્ષોમાં વિકાસ થયો છે તેનાથી પણ વધુ વિકાસ આવનારા સમયમાં નવી ચૂંટાયેલી બોડી દ્વારા થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.