અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, અને થોડા દિવસોમાં અહીંયા રસ્તો ખુલ્લો કરવામાં આવશે. એના માટે કેટલાક લોકોના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે. જેથી રાણીપ બકરા મંડી અને તેના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ અમદાવાદના ઉસ્માનપુરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં આવ્યા હતા. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 288 ઘરોને ખાલી કરવા માટે જે નોટિસ આપવામાં આવી હતી તે અંગે પોતાની રજૂઆત કરી હતી. આ રજૂઆત કરવા માટે દલિત, આદિવાસી ઠાકોર, દેવી પુજક, મુસ્લિમ, સમાજ લોકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી. આ લોકો એ માંગ કરી કે અમારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો.
ઘરના બદલે ઘરની માંગ
રાણીપના રહેવાસી ગીતાબેને જણાવ્યું હતું કે, અમને નોટિસ આપવામાં આવી છે અને અમારી ડિમાન્ડ છે કે ઘરના બદલે ઘર આપો. ઘર તોડ્યા પછી અમે ક્યાં જઈશું અને અમારા બાળકો ક્યાં જશે? અમારી કેવી પરિસ્થિતિ થશે, એ મારું હૃદય જાણે છે. આ ઘર બનાવવા માટે અમારી જીવનની પુંજી લાગી છે.
રાણીપના રહેવાસી કમલાબેને જણાવ્યું હતું કે, 2015 માં પણ અમારા ઘર તોડી નાખ્યા હતા. ત્યારે અમારા બાળકો ઘર શોધતા હતા. ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમે બકરા મંડીમાં રહીએ છીએ. હવે ફરી નોટિસ આપવામાં આવી છે. હવે અમારું શું થશે ખબર નહીં.
288 લોકોને AMCની નોટિસ
આ અંગે એડવોકેટ શમશાદ ખાન પઠાણને જણાવ્યું હતું કે, આજે અમે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાતચીત કરી. અને અધિકારીઓએ મૌખિક એક જવાબ આપ્યો હતો કે, જે પણ લોકોના દસ્તાવેજો હોય તેને તમારી રજૂઆત સાથે રજૂ કરી શકો છો. અમે તેની સમીક્ષા કરીને જે પણ લોકો હકદાર હશે તેવા તમામને મકાન આપીશું. અને ત્યાર પછી એ લોકોના મકાન તોડીશું. ત્યાં સુધી એ લોકોના મકાન અમે નહીં તોડીએ એવી મૌખિક બાહેદરી આપી છે. પણ અમારી માંગ છે કે એ લોકોને શાંતિ કરવા માટે કોઈ એક લેખિત કાગળ આપો. અત્યાર સુધી 288 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, હાલ 200થી વધારે લોકો કોર્પોરેશન અધિકારી સામે પોતાની રજૂઆત કરી છે. અમે આ લોકોને ન્યાય દિલાવવા માટે હાઇકોર્ટ સુધી પણ જઈશું
ટીપી-3નો રસ્તો ખોલવા માટે નોટિસ
અમદાવાદ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી આસિસ્ટન્ટ ઓફિસર મહેશભાઈએ જણાવ્યું હતું કે, ટીપી ત્રણ રાણીપમાં 24.40 ફૂટનો રસ્તો છે. એ એક ખોલવા માટે અગાઉ નોટિસ આપેલી છે. એનો ફાઇનલ હુકમ થોડા દિવસ પહેલા ભજવવામાં આવ્યો હતો. એના માટે આજે રાણીપના લોકો અમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એ લોકો જે પુરાવા રજૂ કરશે એને ચેક કરીને જે વૈકલ્પિક વ્યવસ્થા માટે પાત્રતા ધરાવતા હશે એમના માટે અમે નિર્ણય લઈશું. ત્યાં ખૂબ જ સાંકળો રસ્તો છે. ત્યાં ઘણા ટાઈમથી લોકો વસવાટ કરે છે, એટલે જે લોકો પુરાવો આપશે એને જોઈને અમે નિર્ણય માટે મુકીશું.
આ પણ વાંચો:
ભાવનગરમાં બુલડોઝરવાળીઃ ફુલસરમાં મકાનો હટાવ્યા, મહિલા થઈ ગઈ બેભાન