જૂનાગઢ: ભીખુદાન ગઢવી નામ સાંભળતા જ સાહિત્યની સરવાણી, ધર્મની વાતો અને સામાજિક જીવનને વણી લેતી રમુજ સાથેની કેટલીક કટાક્ષ ભરી વાતો મન પર તરવરી આવે. એવા પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવીએ આજે તેની જાહેર જીવનની સાહિત્ય સફરને પૂર્ણ કરીને જીવનનો પાછલો સમય હરી સેવામાં પસાર કરવાનો નિર્ણય કર્યો છે.
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની નિવૃત્તિ
ડાયરો આ શબ્દ આવે એટલે દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી આવા નામો માનસપટ પર છવાયેલા જોવા મળે. સાહિત્યની આ સફરને પૂર્ણ કરીને દિવાળીબેન ભીલ અને પ્રાણલાલભાઈ વ્યાસ આજે સ્વર્ગ લોકમાં કાઠીયાવાડી સાહિત્યના ડાયરા જમાવતા હશે. પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલના સમકાલીન એવા અને અનેક જગ્યાએ સાથે કાર્યક્રમ આપી ચૂકેલા ભીખુદાનભાઈ ગઢવીએ આજે તેની સાહિત્યની 40 વર્ષની સફળ કારકિર્દીને આજે નિવૃત્ત કરીને પાછળનું જીવન હરિ સેવામાં વિતાવવાનો નિર્ણય કર્યો છે. સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ સારું યોગદાન આપનાર ભીખુદાનભાઈ ગઢવીને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય અને તેને પણ લોક બોલીમાં રજૂ કરીને ધર્મની સાથે સમાજ જીવનની નાની-નાની વાતો છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે આજે પણ ડાયરો એ મહત્વનું પ્લેટફોર્મ બની રહે છે. જેના પરથી હવે ભીખુદાનભાઈ ગઢવી બોલતા જોવા નહીં મળે.
આરોગ્ય અને પ્રભુ સેવા માટે સાહિત્યમાંથી લીધી નિવૃત્તિ
આરોગ્ય અને પ્રભુ સેવામાં પાછળનું જીવન વ્યતીત થાય તે માટે ખૂબ જ મોટા ગજાના ભીખુદાનભાઈ ગઢવીએ સાહિત્યની ચાર દશકાની સફરમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી છે. સતત વધતી જતી વય, 8 થી 10 કલાક ડાયરાનો સમય અને તે પણ રાત્રિના સમયે આરોગ્યને સાચવવું ખૂબ મુશ્કેલ છે. જેથી તેઓ જાહેર જીવનના સફળ ડાયરાના કલાકાર તરીકે નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સમય દરમિયાન હરી ભક્તિ થઈ શકે અને ધર્મને લગતું જ્ઞાન વ્યક્તિગત જીવન માટે મેળવી શકે તેવા હેતુ માટે પણ તેમણે ડાયરામાંથી નિવૃત્તિ લીધી છે. આ પ્રકારે કોઈ લોક સાહિત્યકારે ડાયરામાંથી નિવૃત્તિ લીધી હોય તેવો પણ કદાચ આ પહેલો પ્રસંગ હશે. જેને જૂનાગઢના સૌ સાહિત્યકારો બિરદાવી રહ્યા છે.
લોક સાહિત્યકારોએ પણ ભીખુદાનભાઈ ગઢવીને બિરદાવ્યા
ભીખુદાનભાઈ ગઢવીના સમકાલીન લોકસાહિત્યકારો પૈકી મોટાભાગના અવસાન પામ્યા છે. પરંતુ ભીખુદાનભાઈ ગઢવીને ડાયરામાં જોઈ સાંભળીને આજે લોકસાહિત્યની દુનિયામાં ખૂબ મોટા નામ ધરાવતા જૂનાગઢના લોક સાહિત્યકારોએ પણ ભીખુદાનભાઈ ગઢવીની લોકસાહિત્યની સેવાને બિરદાવી છે. રાજભા ગઢવી, લાખણશીભાઈ ગઢવી, હાજી રમકડું જીતુદાન ગઢવી સહિત સોરઠ પંથકના અનેક નાના-મોટા કલાકારોએ ભીખુદાનભાઈની ચાર દશકાની લોક સાહિત્ય અને ખાસ કરીને ડાયરાની સફરને એકદમ સફળ ગણાવી છે અને ભીખુદાનભાઈના કાર્યક્રમોમાંથી શીખ મેળવીને આજે યુવાન લોક સાહિત્યકારો ખૂબ આગળ વધ્યા છે. તેની કારકિર્દીમાં પણ ભીખુદાનભાઈ ગઢવીનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
આ પણ વાંચો: