જુનાગઢ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્ર ચકાસણીનો દિવસ હતો. આ સમયે જુનાગઢ જિલ્લામાં બિનહરીફની બોલબાલા થતી હોય તેવું પણ સામે આવ્યું છે. જુનાગઢ મનપાના 2 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે, તો આજે તાલુકા પંચાયતના એક અને બાટવા તેમજ માંગરોળ નગરપાલિકાના 11 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
જુનાગઢ જિલ્લામાં બિનહરીફની બોલબાલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ચકાસણીનો દિવસ હતો. એક બાજુ ઉમેદવારી પત્ર ચકાસીને અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ માન્ય કરી રહ્યા હતા. તો આજ સમયે કોંગ્રેસના ઉમેદવારો કે જેને પાર્ટીએ ચૂંટણી લડવા માટે મેન્ડેડ આપ્યું હતું, તેવા ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચીને ભાજપની બેઠકો બિનહરીફ કરાવી રહ્યા હતા. આજે બપોર સુધીમાં જુનાગઢ મનપાના વોર્ડ નંબર 03 અને 14 ના આઠ કોર્પોરેટરો અને વોર્ડ નંબર 12ના એક કોર્પોરેટરે ભાજપના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપ આ બેઠકો પરથી બિનહરીફ વિજેતા જાહેર થયું છે. જેની સત્તાવાર આવતી કાલે જાહેર થશે ત્યાં સાંજ પડતા પડતા માંગરોળ બાટવા નગરપાલિકામાં પણ કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચાના સમાચારો આવ્યા છે.
પાલિકા અને તાલુકા પંચાયત પણ બિનહરીફ
જુનાગઢના સમાચાર હજી સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા હતા. આવા સમયે બાટવા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ભાજપના ગીતાબેન મકવાણા નિર્મલાબેન ગૌસ્વામી કનુભાઈ સોલંકી તેમજ વોર્ડ નંબર 3ના કુસુમબેન રાઠોડ, રસીલાબેન પરમાર હીરીબેન કોડીયાતર અને ધીરજભાઈ કણસાગરા વોર્ડ નં 4ના દિપ્તીબેન વાઢેર, ગીતાબેન ગુરબાણી અને સુનીલ જેઠવાણી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તેવી જ રીતે માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ક્રિષ્નાબેન ખાપલીયા મિતિષાબેન હોદ્દાર, ધનસુખભાઈ હોદા અને રમેશભાઇ ખોરવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તેવી જ રીતે જુનાગઢ તાલુકા પંચાયતની પ્લાસ્ટર સીટ પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હેબમીબેન હુંણે તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા અહીંથી ભાજપના રંજુબેન ગોંડલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.