Patan News : ઢોરની અડફેટે રોડ પર પટકાતાં મોત, અઠવાડિયામાં બીજું મોત પણ નગરપાલિકા તંત્ર નઘરોળ
🎬 Watch Now: Feature Video
Published : Jan 20, 2024, 7:14 PM IST
પાટણ : પાટણ જિલ્લાના હારીજમા ગત રાત્રી દરમ્યાન રસ્તે રખડતા પશુની અડફેટે બાઈક ઉપર સવાર બે યુવકો આવતા એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે 108 મારફતે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હારીજમાં રખડતા પશુઓની અડફેટે આ બીજું મોત થયું છે જેને લઇને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અનેકવારની રજૂઆતો છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટેની કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને કારણે વારંવાર નિર્દોષ લોકોને પશુઓની અડફેટે ચડવું પડે છે. તેમ છતાં નગરપાલિકા અને વહીવટી તંત્રના સત્તાધીશોની આંખો ઉઘડતી નથી. તાજેતરમાં હારીજ નગરમાં બે દિવસ અગાઉ આખલાની અડફેટે આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ લોકોના માનસપટ પરથી દૂર થયો નથી ત્યાં ગત રાત્રે વધુ એક અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગત રાત્રે બાઈક ઉપર કાળુભાઈ કટારા અને રાજુભાઈ બંને જણ કામ અર્થે વડનગર ગયા હતા અને ત્યાંથી કામ પૂર્ણ કરીને હારીજ પરત આવી રહ્યા હતાં. તે દરમિયાન હારીજ નજીક અંબેશ્વર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. દરમિયાનમાં રોડ વચ્ચે ગાય આવી જતા બાઈક ગાય સાથે અથડાતા બંને બાઈક સવારો રોડ ઉપર નીચે પટકાયા હતાં જેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કાળુભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે 108 મારફતે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આમ અઠવાડિયામાં રખડતા પશુઓની અડફેટે બે વ્યક્તિઓના મોત થતા હારીજ નગરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.