અમદાવાદઃ ગુજરાત પોલીસના એક હેડ કોન્સ્ટેબલ અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે કારણ કે, ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દીકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલો હત્યારો આખરે પકડાઇ ગયો છે. મૃતદેહની બાજુમાં તરછોડી દેવાયેલી માસુમ બાળકીનો ચહેરો અને રડમસ આંખો એક હેડ કોન્સ્ટેબલના મગજમાં ઘર કરી ગઇ હતી, તેવી જ આંખો સાથેના એક બાળકના ફોટોની ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક પોસ્ટથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. જાણીએ તે જ હેડ કોન્સ્ટેબલના જ શબ્દોમાં.
હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ કહે છે કે, એલ.સી.બીની ટેકનિકલ સેલમાં કામગીરી હોવાને કારણે જિલ્લામાં બનતી ઘટનાઓમાં ટેકનિકલ બાબતોમાં મદદરૂપ થવા તપાસ માટે ઘટના સ્થળે જવાનું થતુ રહેતુ હોય છે, પણ તા.૦૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો એક મર્ડરનો બનાવ હું ક્યારેય ભુલી નથી શક્યો.
અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઇવે પર એક મહિલાની હત્યા કરી દેવાયેલી હાલતમાં મળેલી ડેડબોડી અને તેની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં રડી રહેલી ત્રણ વર્ષની માસુમ બાળકી ખુશી.
બાળકી તુટક તુટક હિન્દી ભાષામાં પોતાનું નામ ખુશી, પપ્પાનું નામ ઉદય અને માતાનું નામ પુજા જણાવી રહી હતી અને એટલું જ કહેતી હતી કે, “પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી પટક કર ચલે ગયે, કનૈયા કો લેકે ચલે ગયે...”
ખુશીના આટલા શબ્દો અને તેની રડમસ આંખો મારા મગજમાંથી જતી નહતી. આ બાળકીને ખેડાના એક બાળ સંભાળ સંસ્થા ખાતે તેના યોગ્ય ઉછેર અને સારસંભાળ માટે રાખી. અમારા એસ.પી રાજેશ ગઢીયા દરેક ક્રાઇમ કોન્ફરન્સમાં આ કેસનું સ્ટેટસ અચુક પુછતા અને તેના ડિટેક્શન માટે વિશેષ મહેનત કરવા આદેશ આપતા. બીજી તરફ અમારા પી.આઇના માર્ગદર્શનમાં હું અને મારા સાથી કર્મીઓ પણ સમયાંતરે આ સંસ્થાની મુલાકાત લેતા અને ખુશી સાથે સહાનુભુતિપૂર્વક થોડી વાતો કરી આડકતરી રીતે તેના પિતા કે અન્ય લિંક મળે તેવા પ્રયત્નો કરતા હતા.
આ મૃતક મહિલા અને તરછોડી દેવાયેલી બાળકીની ઓળખ તેમજ મર્ડર ડિટેક્શન માટે અમે દિવસ રાત એક કરી. બંનેના ચહેરા અને પહેરવેશ પરથી પરપ્રાંતિય હોવાનો અંદાજ લગાવ્યો અને તેમના ફોટો સાથે ગુજરાતી-હિન્દી ભાષામાં પોસ્ટર બનાવી આંતર રાજ્ય બસ-ટ્રેનોમાં આ પોસ્ટર લગાવ્યા, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ઓળખ માટે પ્રયત્ન કર્યા, ઘટના સ્થળના મોબાઇલ ટાવર લોકેશન કઢાવી એનાલિસીસ કર્યા પણ સફળતા ન મળી.
એક અઠવાડીયા પહેલા તા. 07મી ફેબ્રુઆરી- 2025ના ઓફિસનું કામ પતાવીને સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં હું ઘરે આવીને બેઠો હતો. મારું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હતો ત્યાં મારી નજર સામે એક પોસ્ટ આવી. આ પોસ્ટ હતી, આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઇવે ઉપરથી મળી આવેલા એક બાળકની..!!! આ પોસ્ટમાં જણાવેલી વિગતો અગાઉના વર્ષ- 2022ના ગુના સાથે સામ્યતા ધરાવતી હોય તેવું મને લાગ્યું.
આ બાળકનો ફોટો જોતા જ મારા મગજમાં છેલ્લા બે વર્ષથી ઘર કરી ગયેલી બાળકી “ખુશી”ની આંખો મારી નજર સામે આવી ગઇ. આબેહૂબ તેવી જ આંખો. અને બીજી સામ્યતા હતી એ પોસ્ટની વિગત. જેમાં ‘કનૈયા’ અને ‘ઉદય’ નામનો ઉલ્લેખ હતો. મને ખુશીના શબ્દો રિકોલ થવા લાગ્યા “પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી પટક કર ચલે ગયે, કનૈયા કો લેકે ચલે ગયે...”.
પી.આઇને વાત કરી અને બીજા જ દિવસે વહેલી સવારે અમે તે દીકરાને આણંદના જે અનાથ આશ્રમમાં રાખ્યો હતો ત્યાં પહોંચી ગયા. તે દિકરો પણ હિન્દીમાં બોલતો હતો પરંતુ તદ્દન અસ્પષ્ટ.
આ દિકરા સાથે થોડી વાત કરીને અમે ખુશીને વીડિયો કોલ કર્યો. ત્રણ જ સેકન્ડમાં ખુશી બોલી “કનૈયા...”.!!! બસ, કન્ફર્મ થઇ ગયું કે આ બંને ભાઇ-બહેન જ છે. હત્યારો તેનો પિતા જ છે એ ફાઇનલ થઇ ગયું પણ એ ક્યાં છે? અને આ દિકરાને પણ તેણે કેમ તરછોડેઐ દીધો હશે? હજુ અનેક સવાલો હતા.
દિકરા કનૈયાને ખુશી પાસે અમે લઇ ગયા. તે બંને આશ્રમમાં મસ્તી કરવા લાગ્યા. સાથે સાથે અમે પણ તેમની સાથે બાળક જેવું વર્તન કરી મૈત્રી બનાવી. પછી કનૈયાને અમે મોબાઇલ રમવા આપ્યો. મોબાઇલ રમતા-રમતા અમે હત્યારા સુધી પહોંચવા માટે દિકરા કનૈયાને કહ્યું કે “પાપા કો ફોન લગાઓ બેટા....” કનૈયાએ તેના પપ્પાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. પરંતુ આગળના પાંચ આંકડા ૯૫૮૬૨...... ડાયલ કરીને અટકી જતો હતો. તેને આટલો જ નંબર યાદ હતો...!!
ત્યાંથી નીકળીને વર્ષ-2022ના તે ઘટના સમયે એકત્ર કરેલા મોબાઇલ ટાવર ડેટા ડમ્પ ઉપર તપાસ ચાલુ કરી. આ પાંચ નંબર શરૂઆતમાં આવતા હોય તેવા 40 નંબર મળ્યા. આ ફેમિલી પરપ્રાંતનું હોવાનો જે અંદાજ હતો તે તર્ક લગાવીને આ 40 નંબર પૈકી અન્ય રાજ્યના નંબર કેટલા છે, તે એનાલિસીસ કર્યું ત્યારે તેમાંથી 4 નંબર અલગ નિકળ્યા. થર્ડ પાર્ટી એપની મદદથી આ મોબાઇલ નંબર સર્ચ કરીને યુઝરનો ફોટો શોધી કાઢ્યો અને એક બોડી બિલ્ડીંગ કરતો ફોટો સામે આવ્યો તે ફોટો ખુશી અને કનૈયાને બતાવ્યો એટલે તરત બંને બોલ્યા “પાપા”.
આ નંબર અને ફોટોને આધારે લોકેશન સહિતની તમામ વિગતો કઢાવીને નડિયાદ પોલીસે બે વર્ષ પહેલાની હત્યા અને બે બાળકોને તરછોડી દેનાર પિતા ઉદયને અમદાવાદથી પકડી પાડ્યો અને કનૈયાને એક્ષપ્રેસ હાઇવે પર તરછોડી દેનાર તેની બીજી પત્નિને પણ પોલીસે પકડી પાડી છે.
આ બન્ને બાળકોની માતાની ક્રુરતાપુર્વક હત્યા કરનારો બીજો કોઇ નહીં પરંતુ પોતાનો જ પિતા “ઉદય” નિકળ્યો. હાલ માતૃછાયા સંસ્થામાં બંને ભાઈ-બહેનને સાથે આનંદ કિલ્લોલ કરતા જોઈને મને ખૂબ ખુશી થાય છે.
ખેડા નડિયાદ જિલ્લાના એક હેડ કોન્સ્ટેબલે જે સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ચકચારી હત્યા કેસનું ડિટેક્શન કર્યું છે તે બદલ તેમને અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.