જામનગર જિલ્લામાં રુપાલા વિવાદની અસર થઈ શકે છે, બપોરના 3 કલાક સુધીમાં 42.52% મતદાન થયું - Loksabha Election 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 4:52 PM IST
જામનગર: આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે ગુજરાતના મતદારો મતદાન કરી રહ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે રૂપાલા વિવાદની અસર લીડ પર થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. જામનગર જિલ્લામાં આજે સવારે 7 કલાકથી તમામ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. મતદાન શરૂ થતાની સાથે જ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં યોગદાન આપી રહ્યા છે. 12 જામનગર લોકસભા બેઠક પર કુલ 1881 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી જામનગર જિલ્લાના 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 1247 મતદાન મથકો છે. જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા વિવાદનું સૌથી વધુ નુકસાન જામનગર બેઠક પર ભાજપને થઈ શકે તેમ છે. આ બેઠકને લઈને કોંગ્રેસ વધુ ઉત્સાહી પણ છે. ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે જે.પી મારવિયાને ટિકીટ આપી છે. પૂનમ માડમે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવાની સાથે દરેક મતદાતાઓને મતદાન ચોક્કસ કરવાની અપીલ કરી છે. જામનગર લોકસભા બેઠક પર બપોરના 3 કલાક સુધીમાં 42.52% મતદાન થયું છે.