Leopard Caught: તાલાલામાં ખેડૂતના ઘરમાં ઘુસેલો દીપડો વન વિભાગે ઝડપી લીધો - વન વિભાગ
🎬 Watch Now: Feature Video
Published : Jan 27, 2024, 7:38 PM IST
ગીર સોમનાથઃ આ જિલ્લામાં દીપડાએ દેખા દીધી હોય અને હુમલા કર્યા હોય તેવા બનાવો વધી રહ્યા છે. ગીર સોમનાથના તાલાલામાં વાડી વિસ્તારમાં અચાનક એક દીપડો ખેડૂતના મકાનમાં ઘૂસી ગયો હતો. સત્વરે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે મહા મહેનતે દીપડાને બેભાન કરીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા સમગ્ર પંથકમાં રાહત ફેલાઈ હતી. જો કે આ બનાવમાં દીપડા એ કોઈ પણ વ્યક્તિને ઇજાઓ પહોંચાડી નહતી. ગીર વિસ્તારના ગામોમાં દીપડાના આટા ફેરા સતત વધી રહ્યા છે. તાલાલા અને ગીર ગઢડા વિસ્તારના જંગલોમાંથી હવે દીપડા ખેડૂતોના ઘર સુધી પણ પહોંચી રહ્યા છે. આજે તાલાલામાં અચાનક એક દીપડો ખેડૂતના ઘરમાં ઘૂસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે પાંજરે પુરાયેલા દીપડાને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. ગીર વિસ્તારમાં દીપડાની હાજરી સતત નોંધાઈ રહી છે. પાછલા આઠ મહિના દરમિયાન દીપડાના હુમલામાં મહિલા, બાળકો અને વૃદ્ધોના મોત પણ થયા છે. તો દીપડાએ કેટલાક ખેડૂત અને ખેત મજૂરોને ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે. જેને કારણે આ વિસ્તારના ગામોમાં દીપડાની દહેશત સતત જોવા મળે છે. સામાન્ય રીતે દીપડો રાત્રિના સમયે ઘાત લગાવીને ખોરાકની શોધમાં આવતો હોય છે. અચાનક તે આસપાસના માનવ વસાહતો અને ખેતરોમાં ખેડૂત અને ખેત મજૂરો પર હુમલા પણ કરે છે. દીપડો શિકારની શોધમાં ખેતર સુધી પહોંચ્યો હશે પરંતુ શિકાર કે અન્ય ખેડૂત કે ખેત મજૂર હાજર નહીં હોવાને કારણે તેઓ દીપડાના હુમલાથી બચી ગયા છે. શિકારની શોધમાં આ દીપડો ખેડૂતના મકાનમાં પુરાઈ ગયો જેને વન વિભાગે મહા મહેનતે પકડી પાડ્યો છે.