પોરબંદર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણી જીતવા રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પોરબંદરમાં ભાજપે અર્જુન મોઢવાડિયાને વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે કોંગ્રેસ હવે મોઢવાડીયા સામે કોને પસંદ કરે તે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
પોરબંદરમાં કાર્યકર્તા સંવાદ : પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભોઈ સમાજની વાડી ખાતે કાર્યકર્તા સંવાદ યોજાયો હતો. જેમાં પોરબંદર લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જયકર ચોટાઈ અને હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લલિત વસોયાનો દાવો : કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, 2019 માં જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે અર્જુનભાઈનો સાથ હતો અને મને પોરબંદરમાં 53000 મતની નુકસાન થયું હતું. આ વખતે અર્જુનભાઈનો સાથ નથી પરંતુ અમારા કાર્યકરો મારી સાથે છે. અમે લડીશું અને લીડ મેળવશું. ભારતીય જનતા પાર્ટી અને તેના ઉમેદવાર પક્ષપલટુ છે. કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાં અને પછી ભાજપમાં ગયા છે. તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ પાસે કોઈ સક્ષમ અને મજબૂત ઉમેદવાર નથી.
કોંગ્રેસનો આભાર માન્યો : લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાંથી કહેવાતા સબળ ઉમેદવાર બહારથી અહીં ચૂંટણી લડવા આવ્યા છે. પાર્ટીએ મારી પસંદગી કરી છે, એક સબળ ઉમેદવાર સામે તાકાતથી લડી શકે તેવું હું વ્યક્તિત્વ ધરાવું છું. પાર્ટીને વિશ્વાસ છે લલિત વસોયા તાકાતથી લડશે અને બરાબર ફાઇટ આપશે અને હું ફાઇટ આપી રહ્યો છે.
પક્ષપલટુઓ પર કર્યો પ્રહાર : ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને પરેશાની અનેક મુદ્દાઓ છે એ મુદાઓથી મને ફાયદો થવાનો છે. સાથે સાથે આ વિસ્તારમાંથી બે લોકોએ પક્ષપલટો કર્યો છે. અહેમદભાઈ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા, ત્યારે 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. એમાંથી 15 જેટલા ઘરે બેઠા હતા. ગુજરાતની પ્રજા પક્ષ પલટુઓને સ્વીકારતી નથી, એ ગુજરાતનો ઇતિહાસ કહે છે. હું માનું છું કે પોરબંદર વિસ્તારમાં તેનું પુનરાવર્તન થશે.