રાજકોટ: ઉપલેટામાં વર્ષ 2018માં મળી આવેલા ચકચારીત બોમ્બ કાંડમાં ચાલી રહેલા કેસમાં આરોપીને નિર્દોષ છુટકારો મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ધોરાજીની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાર્સલમાં આવેલી ગિફ્ટ અને લેટર અંગેની શંકા ગયા બાદ પાર્સલે એમ જ છોડી દેવામાં આવ્યું હતું અને આ બાબતે ક્રિષ્ના સ્કૂલના વલ્લભ ડોબરીયાએ પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ અને બોમ્બની ટીમ દોડી આવી હતી ત્યારે મળી આવેલા બોમ્બના સેલ સહિતની ચીજ વસ્તુઓ પોલીસે દ્વારા કબજે કરવામાં આવી હતી અને જેમાં આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જે બાદ આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી નાથા ડોબરીયાને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના: આ અંગે ETV BHARAT રાજકોટના પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત કરેલી વિસ્તૃત વિગતો અનુસાર ઉપલેટામાં તારીખ 16-10-2018ના રોજ ઉપલેટામાં આવેલા વલ્લભ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફતે એક પાર્સલ આવ્યું હતું અને તેની સાથે જ એક લેટર પણ આવ્યો હતો. આ લેટરમાં લખ્યું હતું કે, સહપરિવારે ગીફટ બોકસ ખોલવું.' પરંતુ વલ્લભ ડોબરીયાને શંકા જતા તેમણે તે બોકસ સ્કૂલ બહાર ઝાડ નીચે મુકી દીધું હતું અને બાદમાં આ અંગે સ્થાનિક ઉપલેટા પોલીસને બોલાવતા ઉપલેટા પોલીસ દ્વારા રાજકોટથી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડની ટીમને બોલાવવામાં આવી હતી. સ્કવોડ દ્વારા તપાસ કરાતા તે બોકસમાં બોમ્બ કે જેમા નવ નંગ ડીટોનેટર સાથે હોવાનું જણાતાં અતિ ગંભીર એકસપ્લોઝીવ હોવાનું જણાતાં બોમ્બ સ્કવોડ દ્વારા તે પાર્સલને સલામત જગ્યાએ લઈ જઈ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ધોરાજીની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો: આ ઘટનામાં વલ્લભ ડોબરીયા દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસ આ મામલે ભારતીય દંડ સંહિતા કલમ-307 તથા એકસ-પ્લોઝીવ સબસ્ટન્ટની કલમ 4,5 મુજબ ફરીયાદ દાખલ કરેલી હતી. અને બાદમાં પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ફરિયાદીના નજીકના કૌટુંબિક એવા નાથા ડોબરીયા કે જેઓને વલ્લભ ડોબરીયા સાથે ક્રિષ્ના સ્કૂલની મિલકત બાબતે દિવાની તકરારો ચાલુ હતી. તેઓને અટકાયત કરી અને હસ્તાક્ષર નિષ્ણાંતનાં અહેવાલ તથા બેલાસ્ટિક એકસપર્ટનાં અભિપ્રાય મેળવી ચાર્જશીટ ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટમાં ચાલે તે માટે રજૂ કરવામાં આવી હતી.
ઇલેક્ટ્રોનિક સર્કિટથી ફીટ કર્યો હતો બોમ્બ: આ બનાવમાં કોઈ આંગડિયા વાળાએ આવીને પ્રો. વલ્લભ ડોબરીયાના નામનું પાર્સલ હોઈ તેમને બોલાવવાનું કહેતા ડોબરીયાએ ક્લાસમાંથી તેની પાસે આવીને પાર્સલ સ્વીકારેલું અને મોબાઇલ ફોનમાં ડિજિટલ સહિ કરી આપી હતી. પાર્સલ ઉપર રહેલા કવરમાં લખેલું હતું કે આ પાર્સલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મોકલ્યું છે. જેમાં લખેલું હતું કે ‘મને દિલ્હીમાં સારી પોસ્ટ મળી ગઈ છે. આ પાર્સલમાં એક ગણેશ મૂર્તિ અને એક ચેક આપને મોકલું છું. આ પાર્સલ રવિવારે સાંજના 6-10 કલાકે તમારા સમગ્ર પરિવાર સાથે મળીને ખોલજો અને તમારા પુત્રના હાથે ખોલાવજો. આવો મેસેજ સાથેના કવરમાં હોવાથી પ્રો. ડોબરીયાએ પાર્સલ ઓફિસમાં રાખી દીધુ હતું. ત્યારબાદ રવિવારના આ પાર્સલ (બોમ્બ) ખોલવાનું હતો. પણ તેમણે પોલીસને જણાવ્યા મુજબ, તેઓ ભૂલી ગયા હતા અને સોમવારના સાંજે પાર્સલ હાથમાં લેતા તેમને શંકા જતા ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પાર્સલ (બોમ્બ)માં 08 જીલેટીનની સ્ટીક અને 09 ફ્યુઝ હતા તથા ઇલેક્ટ્રોનિક સર્કિટથી ફીટ કરેલો હતો તેમજ પેકેટમાં રહેલ ચાપ દબાવતા જ વિસ્ફોટ થાય તેવો હતો.
280 જેટલાં વિદ્યાર્થીઓ પરથી ઘાત ટળી: અગાઉ ઉપલેટામાં તારીખ 09-03-1999 શનિવારે બપોરના સમયે ઉપલેટા શહેરના ભરચક વિસ્તાર એવા ગાંધી ચોકમાં આ જ રીતે એક આર્કીટેક એન્જીનિયર રતિ પાદરીયા અને ગીરીશ સોજીત્રાના બનાવના સ્થળે જ મોત થયા હતા. જ્યારે તેમાં બટુક મુરાણી નામની વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમણે આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે ઘણા વર્ષો બાદ પોલીસ તપાસમાં આ બોમ્બ બ્લાસ્ટ વર્તમાન આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટનામાં પણ શૈક્ષણિક સંકૂલમાં જાનના જોખમરૂપ બોમ્બ વણસ્પર્શ્યો પડ્યો રહ્યો હતો. એમાં ગમે તે ક્ષણે બ્લાસ્ટ થઇ શક્યો હોત અને જો બ્લાસ્ટ થયો હોત તો જાનહાનિ પણ નિશ્ચિત જ હતી, પરંતુ બોમ્બ બનાવવામાં રહી ગયેલી નાનકડી ક્ષતિ અને શાળામાં ચાલતું નવરાત્રિ વેકેશનના કારણસર જે તે સમયે 280 જેટલાં વિદ્યાર્થીઓ પરથી સદભાગ્યે ઘાત ટળી હતી.
આરોપી વર્ષ 1999ના ગુનામાંથી નિર્દોષ જાહેર: આ કેસની તપાસ દરમિયાન પોલીસને ઉપલેટામાં વર્ષ 1999 માં ઉપલેટાના રતિ પાદરીયા તથા ગીરીશ સોજીત્રાને પણ પાર્સલ (બોમ્બ) દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. જેમાં આ બોમ્બ બ્લાસ્ટમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ કેસમાં પણ આરોપી નાથા ડોબરીયા ઉપર મુકેલી ચાર્જશીટ પણ જે તે સમયે રજુ કરાયેલી હતી. જેમાં અગાઉ નાથા ડોકરીયાને વર્ષ 1999 ના ગુનામાંથી નિર્દોષ જાહેર કારવામાં આવ્યા હતા. ત્યારે આ ક્રિષ્ના સ્કૂલમાં મોકલાયેલું પાર્સલ બોમ્બવાળા પ્રકરણમાં તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તા તથા અન્ય અધિકારીઓ પોલીસ સ્ટાફ વગેરેના પુરાવા નોંધાયેલા હતા.
આ સામેના ઉપલેટા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ. જી. પલ્લાચાર્ય દ્વારા જે પંચનામાઓ થયા હતા, તેમાં એક જ તારીખે અને એક જ સમયે આરોપીને સાથે રાખી ત્રણ અલગ-અલગ જગ્યાએ પંચનામાઓ થયા હોવાનું રેકોર્ડ થયો હતો અને પાર્સલ બોમ્બનો જ્યા નાશ કરવામાં આવ્યો હતો. તે જગ્યાએ કોઈ વિસ્ફોટકનાં અંશો પણ મળ્યા નહોતા. નાથા પાસે નવ નંગ ડીટોનેટર કયાંથી આવ્યા? તે રેકર્ડ લાવી શક્યા નહી. છતા પણ તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ તપાસના પેપર્સનો પુરતો અભ્યાસ કર્યા વગર પરવાનગી આપી તથા પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરી હોવાનું અને આરોપીને ખોટી રીતે સંડોવી દેવાનું રેકર્ડ પર આવ્યું હતું.
ઉપલેટાના ચકચારી પ્રકરણનો અંત: આ કેસમાં ફરીયાદી પક્ષ તથા આરોપી પક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવી અને આરોપી પક્ષ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તથા ઉચ્ચ અદાલતોનાં અભિપ્રાયો રજુ કરાયા હતા. જેમાં તમામ હકીકતને ધ્યાને લઈ તથા આરોપી તરફે રોકાયેલા એડવોકેટ ચંદુલાલ એસ. પટેલની દલીલો ધ્યાને લઈ ધોરાજીના એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખ દ્વારા આરોપી નાથા ડોબરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ઉપલેટાના ચકચારી પ્રકરણનો અંત આવ્યો છે.
ઉપલેટામાં વર્ષ 2021માં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં રહીશ રજાક કાણા અને રજાક અજિત કાણા નામના બન્ને પિતા-પુત્રનું બ્લાસ્ટ થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે આ ઘટના બાદ પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ હતી. આ ઘટના અંગે સમગ્ર પંથકની અંદર ભારે ખળભળાટ મચી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. ઉપલેટામાં વર્ષ 1999 વર્ષ 2018 અને વર્ષ 2021 માં એમ ત્રણ અલગ-અલગ બોમ્બની ચકચારિક બાબતો સામે આવી હતી. તેમાં વર્ષ 1999 અને વર્ષ 2018માં બોમ્બ કાંડના આરોપી નાથા ડોબરીયાને ધોરાજીની સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: