સુરત: ભેસ્તાન વિસ્તારમાં રહેતા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો, ત્યારે પોલીસે તેને પકડીને લઈ જવાનો પ્રયાસ કરતાં તેણે પોતાની સ્કોર્પિયો કાર લઈને પીસીઆર વાનને ટક્કર મારી હતી અને ભાગી છૂટ્યો હતો. દરમિયાન તેણે પોલીસ વાનમાં બેઠેલા સ્ટાફને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાના મામલે હત્યાના પ્રયાસ મુજબનો ગુનો તેની સામે નોંધાયો હતો.
આ મામલે પોલીસ તેની શોધખોળ કરી રહી તે દરમિયાન તેની કાર દમણ ખાતેના એક ગેરેજમાંથી કબજે કરવામાં આવી હતી અને પોલીસ માટે માથાનો દુખાવો બની બેઠેલા આરોપી ટેણીની ભેસ્તાન વિસ્તારમાંથી પકડીને કસ્ટડી ભેગો કરી દેવાયો હતો.
પોલીસ પર હુમલો કરી થયો હતો ફરાર: ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ ઉન પાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી પઠાણ જાહેર રસ્તા ઉપર કોઈની સાથે ઝઘડો કરતાં લોકટોળું એકત્ર થયું હતું. દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટાફના એએસઆઈ રિતેશ મોહનભાઈ સહિતના પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં પોલીસે જાહેરમાં બખેડો નહીં કરીને યુનુસને પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી કરી રહ્યા હતા, તે દરમિયાન તેણે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોતાની કાળા રંગની સ્કોર્પિયો કાર બેફામ રીતે હંકારીને પોલીસકર્મીઓની વાનને મારી નાંખવાના ઈરાદે ધડાકાભેર ટક્કર મારી હતી, તેમજ ફરી વાર રિવર્સ લઈને પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી. આ બનાવમાં વાનને 25 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડીને તે ભાગી છૂટ્યો હતો.
ભેસ્તાન રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ: માથાભારે યુનુસ ઉર્ફે ટેણી દમણમાં કાર લઈને નીકળી ગયો હોવાની બાતમીના આધારે પોલીસે તેનું પગેરૂ દબાવીને ગેરેજમાંથી સ્કોર્પિયો કાર મળી આવતાં કબજે કરી હતી. જયારે શુક્રવારની સાંજે તે દમણથી ટ્રેન દ્રારા ભેસ્તાન આવતો હોવાની બાતમી મળતા તેના આધારે તેને ભેંસ્તાનના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી યુનુસ ટેણી અગાઉ પ્રોહિબીશનના ગુનામાં સચીન જીઆઈ ડીસી, પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.