પરેશ દવે, અમદાવાદ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાંમંત્રી તરીકે પોતાનું આઠમું બજેટ રજૂ કરશે. ગત વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ચૂંટણીના પરિણામો બાદ પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે તેઓ પૂર્ણ બજેટ રજૂ કરશે. જ્યારે જાણીએ વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટ વચગાળાના બજેટની શું હતી વિશેષતા?
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી હોવાના કારણે વચગાળાનું અને પૂરક એમ બે વખત બજેટ રજૂ કરાયું
વર્ષ-2024માં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ અને 23, જુલાઈના રોજ પૂરક એમ બે વખત બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. વચગાળાના બજેટમાં મોદી સરકારે કોઈ નવી જાહેરાત કે નવી યોજનાને જાહેર કરવાથી દૂર રહી હતી. અલબત્ત આ બજેટ મતદાનના વર્ષમાં હોવાથી સરકારે કર પ્રણાલી અને કરવેરા અંગે કોઈ બદલાવ કર્યો ન હતો. સરકારે પાંચ વર્ષમાં બે કરોડ ઘર નિર્માણ કરવા બાબતે પોતાનો મનસુબો વ્યક્ત કર્યો હતો. સાથે મહિલાઓ માટે વિશેષ ત્રણ કરોડ લખપતિ દીદી નિર્માણ કરવા માટે કહ્યું હતુ. શહેરોમાં મેટ્રોની સુવિધાને સજ્જ કરવા માટે દેશમાં આંતરમાળખાકીય સુવિધા વધારવા માટે ભાર આપ્યો હતો.
વર્ષ 2024-25ના વચગાળાના બજેટના આ હતા ટોપ-10 મુદ્દા
- વર્ષ-2024માં લોકસભા ચૂંટણી યોજાવાની હોવાથી ફેબ્રુઆરીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા પોતાનું બજેટ ભાષણ ફક્ત 58 મિનિટનું રાખ્યું હતું.
- આ વચગાળાના બજેટમાં કરદાતાઓને કોઈ પ્રકારની રાહત આપી ન હતી. આ બજેટના 10 વર્ષ સુધીમાં કુલ કરદાતાની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો.
- મધ્યમ વર્ગને એફોર્ડેબલ હાઉસિંગ માટે સવિશેષ ભાર મુકાયો હતો.
- દેશમાં મહિલાઓના આર્થિક વિકાસ માટે ત્રણ કરોડ લખપતિ દીદીના નિર્માણનો લક્ષ્યાંક હતો.
- ખેતીમાં કૃષિ વીમા રકમમાં 2.7 ટકા રકમનો નોંઘપાત્ર ઘટાડો અને યુરિયા સબસિડીમાં 7.5 ટકાનો ઘટાડો હતો.
- સંરક્ષણ ક્ષેત્રે ચાર ટકા ફાળવણી વધારી કુલ સંરક્ષણ બજેટ 6.21 લાખ સુધી વિસ્તાર્યું હતું.
- દેશમાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કુલ બજેટમાં 11 ટકાનો વધારો કર્યો હતો.
- દેશમાં સોલાર ઓનર્જીને પ્રોત્સાહન માટે રુફ ટોપ સોલર એનર્જી પ્રોજેક્ટને પ્રાધાન્ય અપાયું હતું.
- દેશમાં ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક રોજગાર બાબતે એમજી-નરેગા યોજના અંતર્ગત 86,00 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ હતી.
- દેશના નાગરિકોના કલ્યાણ માટે કુલ 5.7 લાખ કરોડની ફાળવણી કરાઈ હતી.
મોદી 3.0નું પૂરક બજેટ, ગઠબંધન ધર્મ નિભાવવા સાથે રાજકીય સ્થિરતા કેન્દ્રિત હતી
જુન-2024માં મોદી સરકાર નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહકાર અને ગઠબંધનથી રચાઈ હતી, જે મોદી 3.0 સરકારના નામે જાણીતી છે. ભાજપને 240 બેઠકો પ્રાપ્ત થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ ગઠબંધનની સરકારે બિહારને 59,000 કરોડ અને આંઘ્રપ્રદેશને 15,000 કરોડની પૂરક બજેટમાં સ્પેશિયલ ફંડ આપી ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો. મોદી 3.0 સરકારમા નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારમણ પુનઃ પસંદ થયા. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે 23, જુલાઈના રોજ સંસદમાં રજૂ કરેલ પૂરક બજેટના આ છે મહત્વના 10 મુદ્દા.
વર્ષ - 2024-25ના પૂરક બજેટના આ હતા ટોપ - 10 મુદ્દા
- પૂરક બજેટમાં ગઠબંધન સરકારની છાપ હતી, એનડીએમાં સામેલ નીતીશકુમાર બિહાર અને ચંદ્રબાબુ નાયડુના આંધ્રપ્રદેશને સ્પેશિયલ ફંડ ફાળવ્યું હતુ.
- આ પૂરક બજેટમાં રોજગાર નિર્માણ પર ભાર મૂક્વામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં ચાર કરોડ રોજગાર સર્જન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- દેશની ટોપ - 500 કંપનીઓ દેશના 21 થી 24 વર્ષની આયુ ધરાવતા એક કરોડ યુવાઓને રોજગાર આપે અને આરંભમાં સ્ટાઈપેન્ડ આપે એવી જાહેરાત કરાઈ હતી.
- કૃષિ ક્ષેત્રે 1.5 લાખ કરોડની ફાળવણી કરી, છ કરોડ ખેડૂતોના રેકોર્ડને ડીજીટલાઈઝડ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
- આવક વેરામાં સ્ટાન્ડર્ડ ડિડકશનની મર્યાદા 75,000 સુધી કરાઈ હતી.
- સોના પર એક્સાઈઝ ઘટાડવા આવી, જેથી દેશમાં સોનું સસ્તું થયું હતું.
- આગામી પાંચ વર્ષમાં દેશમાં નવા એક કરોડ ઘર નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
- દેશના સંરક્ષણ બેજેટમાં 13 ટકામાં વધારો કરી, કુલ બજેટ રુ. 6.22 લાખ કરોડ કરાયું હતુ.
- ગુજરાતને બજેટમાં નાણાં ફાળવણી હિસ્સા તરીકે રુ. 43,378 કરોડ પ્રાપ્ત થયા હતા.
- મોદી 3.0 સરકારના પૂરક બજેટમાં હીરા ઉદ્યોગમાં પ્રોત્સાહન અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં સ્પાન્ડેક્સ યાર્નની કસ્ટમ ડ્યૂટીમાં બે ટકાના ઘટાડાથી હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે.
મોદી 3.0 સરકારમાં અનેક કલ્યાણ યોજનાઓ થકી દેશના ગરીબોને અન્ન અને રોજગાર પ્રાપ્ત થયા છે. ફ્રી રાશન વિતરણ માટે PM ગરીબ અન્ન યોજનામાં દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે 2.05 લાખ કરોડ ફળવાયા હતા. ગ્રામીણ સ્તરે રોજગારી માટે 86,000 કરોડ, PM કિસાન સન્માન યોજના અંતર્ગત 12,000 કરોડ ફળવાયા હતા. જેનાથી દેશના ગરીબોને સ્થાનિક સ્તરે વિનામૂલ્યે ભોજન અને ઉપયોગી રોજગારી સર્જન થઈ છે.
2024ના બજેટ કલ્યાણલક્ષી અભિગમવાળા જણાયા, 2025-26નું બજેટ ગ્રોથ કેન્દ્રીત બને એવી આશા
વર્ષ -2024માં રજૂ થયેલા વચગાળા અને પૂરક એમ બંન્ને બજેટનો કેન્દ્ર સૂર કલ્યાણલક્ષી અભિગમનો રહ્યો હતો. દેશમાં યાંત્રીકરણ અને ખાનગીકરણથી રોજગારીની તકો સિમિત બનતી જાય છે. ખેડૂતોને પોતાના ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતી નથી, મોંઘવારી અને મોસમ પરિવર્તનના કારણે દેશની ખેતી, કાચા માલના ઉત્પાદન, કિંમતમાં વધારો થાય છે એ સંજોગોમાં સરકારના બજેટ વિકાસ પ્રેરિત કહી શકવાના બદલે કલ્યાણલક્ષી અભિગમ ધરાવતા થયા છે. આશા છે વર્ષ 2025-26નું બજેટ દેશના સાર્વત્રિક વિકાસ માટે ગ્રોથ એન્જિન સમાન બને અને પ્રમાણિક કરદાતાને યોગ્ય રાહત આપનારું બની રહે.
આ પણ વાંચો: