ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ શહેર ભાજપ દ્વારા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત સુધીમાં નામ જાહેર થવાની શક્યતાઓ છે. આ બેઠક ઉપર ભાજપના પૂર્વ નગરસેવકનું બીમારીના લીધે અવસાન થતા ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વડવા-બ વોર્ડની સ્થિતિ અને મતદારો: ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ 3 વડવા-બમાં નગરસેવક રહેલા ઉપેન્દ્રસિંહ ગોહિલનું બીમારીના લીધે અવસાન થયા બાદ બેઠક ખાલી થઈ હતી. ત્યારે વડવા-બ વોર્ડમાં યોજવામાં આવી રહેલી પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે આ વોર્ડમાં મતદારો જોઈએ તો પુરુષ મતદારો 22.378 અને સ્ત્રી મતદારો 20.645 તેમજ અન્ય 1 મળીને કુલ 43.024 મતદારો નોંધાયેલા છે. જો કે, હાલ આ બેઠક ઉપર 38 મતદાન મથક આવેલા છે.
ભાજપના જાહેર ઉમેદવાર કોણ?: ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર અમરશીભાઈ દુલાભાઈ ચુડાસમાને ટિકિટ આપી છે. ત્યારે અમરશીભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ 11 પાસ છે અને હીરાનું કારખાનું ધરાવે છે. તેઓ છેલ્લા 28 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. 2005 માં પ્રથમ વખત વડવા-બ વોર્ડમાં ભાજપની ટિકિટ મેળવીને જીત મેળવી હતી. ત્યારે ભાજપે ફરી પસંદગી ઉતારતા પોતાના વોર્ડમાં બાકી રહી જતા દરેક કાર્ય કરવા તેઓએ ઉત્સુકતા દર્શાવી છે.
કોંગ્રેસનું ઉમેદવારનું નામ જાહેર કરવામાં વિલંબ: ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસે ETV BHARAT સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા હજુ પ્રદેશમાંથી કોઈ માહિતી આવી નથી. પરંતુ મોડી રાત સુધીમાં નામ જાહેર થઈ જશે. જો કે 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ભાજપના ઉમેદવાર 1 તારીખે ઉમેદવારી નોંધાવશે. પરંતુ કોંગ્રેસના નામ જાહેર નહીં થતા સૌની નજર તેના પર મંડાયેલી છે.
આ પણ વાંચો: