ગાંધીનગરઃ તાઈવાનના ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ હોમર ચંગે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. તેઓ ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024માં સહભાગી થવા આવ્યા છે. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી.
તાઈવાનની સ્ટેટ ઓફીસ શરૂ કરવા અનુરોધઃ તાઈવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધુ સંગીન બનાવવા ગુજરાતમાં તાઈવાનની સ્ટેટ ઓફીસ શરૂ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગનો તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાઈવાનના શિન્સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતા સેમિકોન સિટીનું ધોલેરામાં નિર્માણ કરવામાં તાઇવાનનું માર્ગદર્શન અને એક્સપર્ટિઝનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.
સેમિકન્ડકટર અને હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંભાવનાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર ઉપરાંત હાઇ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોના વિકાસ માટે ધોલેરા અને સાણંદમાં સંભાવનાઓ છે તેનો પણ લાભ લેવા તાઇવાન પ્રતિનિધિ મંડળને અનુરોધ કર્યો હતો. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, સાયન્સ ટેક્નોલોજી અગ્ર સચિવ મોના ખંધાર સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.