ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત અચિમ ફેબિગે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ-2024માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવઃ આ સમિટમાં સસ્ટેઈનેબલ ગ્લોબલ સપ્લાય ચેઈન-ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવ અંગે કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું તેની પણ યાદ તાજી કરી હતી. જર્મન કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા ઈચ્છુક જર્મન ઉદ્યોગકારોને રાજ્ય સરકારના સહયોગની નેમ દર્શાવી હતી. ગુજરાતમાં જર્મનીની પ્રતિષ્ઠિત કંપનીઝ કાર્યરત છે તે ઉપરાંત ગિફ્ટસિટીમાં ડોઈશ બેન્ક પણ શરૂ થઈ છે, તેમને ગુજરાતમાં કામ કરવાનું સાનુકૂળ વાતાવરણ મળ્યું છે, એમ પણ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું.
ગિફ્ટસિટીમાં એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટઃ જર્મનીની હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં શરૂ થઈ શકે તે દિશામાં પણ મુખ્યપ્રધાને જર્મન કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટ્મેન્ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યુ હતું.
કચ્છી કલાકૃતિની ભેટઃ જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, જી-20 સમિટમાં AI, હેલ્થ અને ફાર્મા સેક્ટર અંગે પરિણામદાયી ચર્ચા-વિમર્શ થયા બાદ હવે તેઓ રિન્યુએબલ એનર્જી સહિતના ઊભરતા સેક્ટર્સમાં આગળ વધવા ઈચ્છુક છે. મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાથે જર્મનીના અગ્રણી રાજ્યોના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા અને તે દિશામાં વિચાર પરામર્શ માટે જર્મનીના ડેલિગેશનને ગુજરાત મોકલવા આમંત્રણ આપ્યું હતું. તેમજ મુખ્યપ્રધાને જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી.